Ahmedabad : અમદાવાદના બોપલમાં આવેલા પાપા લુઈસ પિઝા (papa louie pizza) સેન્ટરમાં બનેલા ફૂડમાં જીવાત નીકળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. અહીં બટાકા પણ સડેલી હાલતમાં હોવાની ફરિયાદ ઉઠી છે. એક ગ્રાહકે આ પિઝા સેન્ટરમાં જીવાત નીકળવાનો દાવો કર્યો છે અને એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં સડેલા બટાકાની અંદર જીવાત નીકળી હોવાનો દાવો છે.
ફરિયાદીએ પિઝા સેન્ટરે આપેલી બિલની કોપી પણ વીડિયોમાં શેર કરી છે. સાથે ફરિયાદીએ એવો દાવો કર્યો છે કે તેને પિઝાના સ્થાને પાણીની બોટલનું બિલ આપવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં અનેક હોટલ અને રેસ્ટોરાંમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. હોટલના રસોડામાં ગંદકીના કારણે ખાવામાં જીવાત વગેરે વસ્તુ પડી જતી હોય છે. ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા પાપા લુઈસ પિઝા રેસ્ટોરાંમાં ખાવા ગયેલા એક વ્યક્તિના પિઝામાંથી જીવાત નીકળી હોવાના ફોટો અને વીડિયો સામે આવ્યાં હતાં.
આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરાતાં ફૂડ વિભાગની ટીમે પાપા લુઈસ પિઝા રેસ્ટોરાંમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ખૂબ જ ગંદકી અને લાઈસન્સ વગર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ફૂડ વિભાગ દ્વારા પાપા લુઈસ પિઝા રેસ્ટોરાંને સીલ કરવામાં આવ્યું છે.