અત્યાર સુધીમાં લેવામાં આવેલા શંકાસ્પદ કોરોના વાયરસના ૧૩૦ ટેસ્ટ સેમ્પલ પૈકી ૧૪ પોઝીટીવ કેસ સાથે ૧૧૪ના રિપોર્ટ નેગેટીવ
પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાખવામાં આવેલી પૂરતી તકેદારી બાદ પણ સિદ્ધપુર
તાલુકામાંથી COVID-19ના ૧૪ પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ તાલુકાની બોર્ડર સીલ કરવા
સહિતની કામગીરી વચ્ચે પાટણ જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે. આરોગ્ય વિભાગની
સઘન કામગીરીના પગલે છેલ્લા બે દિવસથી એક પણ નવો પોઝીટીવ કેસ નોંધાયો નથી.
સિદ્ધપુરની તમન્ના સોસાયટીમાં મુંબઈથી આવેલ વ્યક્તિના સંપર્કમાં આવેલા ૪૯ વ્યક્તિઓ
પૈકી તેમના એક પરીવારજન અને નેદ્રા ગામના ૧૩ વ્યક્તિઓનો COVID-19 ટેસ્ટ પોઝીટીવ તથા બાકીના ૩૬ લોકોના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવ્યા હતા. જેના પગલે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સિદ્ધપુર તાલુકા તથા નેદ્રા સહિત આસાપાસના ૨૦ ગામોની બોર્ડર સીલ કરી અવર-જવર પર રોક લગાવવામાં આવી હતી. ગામોમાં લોકડાઉનના ચુસ્ત અમલીકરણના કારણે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ ઘટ્યું છે ત્યારે છેલ્લા બે દિવસથી જિલ્લામાંથી COVID-19નો એક પણ નવો પોઝીટીવ કેસ નોંધાયો નથી.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસની સંક્રમણની શક્યતાઓ ટાળવા વિવિધ ટીમ બનાવી
સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. આરોગ્ય વિભાગની ૯૦ ટીમ દ્વારા સિદ્ધપુર તાલુકાના ૩૪ ગામોમાં હાઉસ ટુ હાઉસ સરવે કરી કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ ૧૩૦ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. અન્ય રાજ્યોમાંથી આવેલા કુલ ૨૧૦ વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે ગ્રામિણ આરોગ્ય તાલીમ કેન્દ્ર-કુણઘેર ખાતે ૦૨ અને સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઑફ હોટલ મેનેજમેન્ટ-સિદ્ધપુર ખાતે ૨૧ એમ કુલ ૨૩ જેટલા મુસાફરોને સરકારી કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેમાં તા.૧૨ એપ્રિલના રોજ ૪૦,૫૫૨ ઘરોની મુલાકાત
લઈ ૧,૯૧,૯૯૦ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ
ધરાવતા ૪૩૭ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.
નાગરીકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ઉપલબ્ધ થાય તે માટે પાટણ અને સિદ્ધપુર
શહેરમાં શરૂ કરવામાં આવેલા ૧૨ જેટલા મહોલ્લા ક્લિનિકમાં ૪૦૦ જેટલા લોકોની પ્રાથમિક તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવી. વધુમાં, જી.વી.કે. દ્વારા સમી ખાતે ૮૫ અને રાધનપુર ખાતે ૭૯ વ્યક્તિઓનું હેલ્થ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું. જિલ્લાના કંટ્રોલરૂમ નં.૦૨૭૬૬-૨૩૪૨૯૫ પર ફોન કરી કોરોના વાયરસ અંગે માહિતી મેળવી શકાશે. ઉપરાંત તમામ તાલુકા ખાતે તૈયાર કરવામાં આવેલા કંટ્રોલરૂમ પરથી પણ માહિતી મેળવી શકાશે