ઓનલાઈન ઠગીનો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. અહીં 28 વર્ષીય એક આઈટી પ્રોફેશનલે 13,000 રુપિયા કિંમતનું ગલૂડિયું ખરીદવાના ચક્કરમાં 8.26 લાખ રુપિયા ગુમાવ્યા છે. સુરત(Surat) શહેરના સાઈબર ક્રાઈમ વિભાગ દ્વારા મંગળવારના રોજ બેંગ્લોરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ કેમરૂનનો નિવાસી છે. પોલીસને શંકા છે કે, ઓનલાઈન ઠગીના આખા રેકેટમાં તેની સંડોવણી છે. આરોપીની ઓળખ Nyongabsen Hilary Sylvester Dunga તરીકે થઈ છે, જેની ઉંમર 24 વર્ષ છે.
આરોપી એક ખાનગી કંપનીમાં ફ્રેન્ચ ભાષાના અનુવાદક તરીકે કામ કરે . આઈટી સેક્ટરમાં કામ કરતી 28 વર્ષીય એક યુવતીની ફરિયાદને આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સિલવેસ્ટર જે બેન્ક અકાઉન્ટ ધરાવતો હતો, તેમાં પીડિતોના પૈસા જમા કરવામાં આવતા હતા. સુરત સાઈબર ક્રાઈમ(Cyber Crime) પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીએ જણાવ્યું કે, “તે એક અનુવાદક તરીકે કામ કરતો હતો અને નવરાશના સમયમાં ગેંગ માટે બેન્ક અકાઉન્ટનું સંચાલન કરતો હતો. આ ઓનલાઈન રેકેટમાં અન્ય લોકો પણ જોડાયેલા છે અને અમે તેમને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ”.
ઓનલાઈન નાણાંકીય વ્યવહાર કરો ત્યારે સાવધાન રહો
સિટી પોલીસ કમિશનર અજય તોમારે જણાવ્યું કે, “પીડિત યુવતીને ઓનલાઈન ગલૂડિયું ખરીદવાની લાલચ આપવામાં આવી હતી. અમે લોકોને વિનંતી કરીએ છીએ ઓનલાઈન કોઈ પણ પ્રકારનો નાણાંકીય વ્યવહાર કરો ત્યારે સાવધાન રહો”. કેસની વિગતવાર વાત કરીએ તો, યુવતી ઓનલાઈન ગોલ્ડન રીટ્રીવર(golden retriever) પપી શોધી રહી હતી. તેને એક વેબસાઈટ(website) મળી જે આ પ્રકારે ગલૂડિયાં વેચતી હતી. તેણે જ્યારે ક્લિક કર્યું તો અન્ય વેબસાઈટ ખુલી જેમાં આ પપી 13,000 રુપિયામાં ઉપલબ્ધ હતું. અહીં તેની પાસે માહિતી માંગવામાં આવી અને તેણે ફોર્મ ભર્યુ.
વેબસાઈટ પર માહિતી સબમિટ કર્યા પછી યુવતીનો વોટ્સએપ પર સંપર્ક કરવામાં આવ્યો અને બેન્ક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું. યુવતીએ 13,000 ટ્રાન્સફર કર્યા તો તેને કહેવામાં આવ્યું કે, તેણે ઈન્શ્યોરન્સ સહિત અન્ય રકમ આપવી પડશે. યુવતીએ વિશ્વાસ કરી લીધો અને પૈસા ચૂકવી દીધા. તેને કહેવામાં આવ્યુ હતું કે, એકવાર ડિલિવરી થઈ જાય પછી તેને વધારાના પૈસા પાછા કરવામાં આવશે. પરંતુ યુવતીને ગલૂડિયું પણ ના મળ્યું અને પૈસા પણ ના મળ્યા.