દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે પાટણના આંગણે આવેલી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે જિલ્લાના સ્થાનિક કલાકારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું,
સાથે સાથે કલાકારો દ્વારા જનજાગૃતિ રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાણકી વાવના પટાંગણમાં યોજાયો હતો. જેમાં સ્થાનિક કલાકારોએ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાની રમઝટ જમાવી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની સંગીત નાટક અકાદમી અને જિલ્લા વહિવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા માહિતી કચેરી તથા પુરાતત્વ વિભાગના સંકલનમાં જિલ્લાના સ્થાનિક કલાકારો દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં વિવિધ ક્ષેત્રના સ્થાનિક કલાકારો દ્વારા પાટણ મ્યુઝિયમથી રાણીની વાવ સુધી સ્વચ્છ ભારત જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેને પ્રાંત અધિકારી સચિન કુમારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. ત્યારબાદ વલ્ર્ડ હેરીટેજ સાઈટ રાણીની વાવના મૂળ સ્થાનકની કલાકૃતિઓ, પગથીયા તથા કેમ્પસની સફાઈ હાથ ધરવામાં આવી હતી .સફાઈ અભિયાન બાદ કલાકારો ઉપરાંત પ્રાચીન અને અર્વાચીન રાસની કૃતિઓ તથા લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા.
જેને જોઈ ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થયા હતા. આ સાથે જ રાણીની વાવ ખાતે લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા ધોરણ ૬થી ૧૦ સુધીના બાળ ચિત્રકારોની ચિત્ર-સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે પાટણ પ્રાંત અધિકારી સચીન કુમાર, રાણકીવાવના સિનિયર અધિકારી મનસુરી, રમતગમત અધિકારી વિરેન્દ્ર પટેલ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા..