પાટણ : નવરાત્રી પર્વને લઈ ફૂલ બજારમાં જોવા મળી તેજી

ફુલો અને વિવિધ સુગંધીત દ્રવ્યો વગર કોઈપણ ઈશ્વરની પૂજા અર્ચના અને આરાધના પૂર્ણ થતી નથી ત્યારે નવરાત્રી પર્વને લઈ પાટણ શહેરના ફુલબજારમાં ફુલોની માંગ વધતા વિવિધ પ્રકારના ફુલહારોમાં તેજીનો માહોલ જોવા મળી રહયો છે.

આદ્યશકિત માં જગત જનની જગદંબાની ભકિત, ઉપાસના અને આરાધનાનું મહાપર્વ નવરાત્રી મહોત્સવ શ્રધ્ધા,ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સાથે પ્રારંભ થયો છે. માં જગદંબાની પૂજા અર્ચના અને આરાધનામાં શ્રધ્ધાળુ ભકતો માં ની ઉપાસનામાં તલ્લીન બની ગયા છે.

તો જેના વગર જગદંબાનો શૃંગાર અધુરો ગણાય છે તેવા ફુલહારની માંગમાં પણ નવરાત્રી પર્વને લઈ વધારો થતા શહેરના ફુલબજારમાં વિવિધ ફુલોની જાતોમાં સામાન્ય દિવસ કરતા બમણો ભાવવધારો જોવા મળી રહયો છે. સામાન્ય દિવસોમાં ચમેલી , પારસ, અને ગલગોટાના હાર ર૦ થી ૩૦ રૂપિયામાં વેચાતા હતા જેના ભાવ હાલમાં પ૦ થી ૭૦ રૂપિયા બોલાઈ રહયા છે.

તો બીજી તરફ શ્રાવણ માસમાં ગુલાબના ભાવ ર૦૦ રૂપિયા હતા જે વધીને પ૦૦ થી ૬૦૦ રૂપિયા થઈ ગયા છે.તો ચમેલી અને મોગરાના હારમાં અતિશય ભાવ વધારો જોવા મળી રહયો છે જે સામાન્ય દિવસોમાં માત્ર ૧૦ થી ર૦ રૂપિયાના ભાવે વેચાતા હતા

જે હાલમાં ૬૦ થી ૮૦ રૂપિયાના ભાવે વેચાતા જોવા મળી રહયા છે.પાટણ શહેરમાં નવરાત્રીથી દિવાળી સુધીના દિવસોમાં ફુલબજારના ભાવોમાં તેજી આવવાની વેપારીઓએ શકયતાઓ દર્શાવી હતી.