Patan ACB Trap Deputy Mamlatdar Alpesh Kher : ગુજરાતમાં સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સામે વૈજ્ઞાનિક પુરાવા મેળવી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે એસીબીના ડાયરેક્ટરે આદેશ જારી કર્યો છે. ત્યારે પાટણનો નાયબ મામલતદાર અલ્પેશ ખેર (Alpesh Kher) પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે પકડાયો છે.
સમી તાલુકાના એક ગામના વ્યક્તિ દ્વારા જમીન ખરીદ કરવામાં આવી હતી તે જમીન બિનખેતી કરવા માટે કલેક્ટર કચેરીમાં જતા એડીએમ શાખાના નાયબ મામલતદાર અલ્પેશકુમાર ભોજાભાઇ ખેરને મળતા તેમણે કામ કરી આપવાના બદલે રૂ.5 લાખની લાંચની માગણી કરી હતી પરંતુ જમીન માલિક તે આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતાં શનિવારે સાંજે પાટણના એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ચૌધરીએ બોર્ડર રેન્જ ભૂજના ઇન્ચાર્જ મદદનીશ નિયામક વીએસ વાઘેલાના સુપરવિઝન હેઠળ પાટણ ખાતે છટકું ગોઠવ્યું હતું.
શહેરની જનતા હોસ્પિટલની બાજુમાં આવેલ જનતા મેડિકલ સ્ટોર ખાતે ફરિયાદી પાસેથી રૂ.5 લાખ સ્વીકારતાં જ આજુબાજુમાં ગોઠવાયેલા એસીબી ટીમના માણસોએ આરોપીને રંગે હાથે ઝડપી લીધો હતો અને તેની પાસેથી પૂરેપૂરી રકમ જપ્ત કરી હતી. આરોપીને પકડીને પંચનામાં વગેરેની કામગીરી એસીબી પોલીસ દ્વારા હાથ ધરી હતી.
એસીબી પીઆઇ એમ.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી દ્વારા લાંચની માંગણી કર્યાની ફરિયાદ આધારે છટકું ગોઠવી આરોપીને પકડી લેવાયો છે અને આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી છે. રાત્રે આરોપીના ઘરે સર્ચ શરૂ કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આરોપી અલ્પેશ ખેર પાટણ જિલ્લાના સમી તાલુકાના વતની છે અને ઘણા સમયથી કલેક્ટર કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જે સામૂહિક પ્રમોશન અપાયા તેમાં અલ્પેશ ખેરને પણ નાયબ મામલતદાર વર્ગ-3 તરીકે બઢતી આપવામાં આવી હતી હજુ એક મહિનો પણ થયો નથી અને એસીબીના છટકામાં ઝડપાઈ જતાં કચેરીના કર્મચારીઓમાં પણ સોપો પડી ગયો હતો.