પાટણ શહેરમાં વધતા જતા રખડતાં ઢોરોના ત્રાસને નિવારવા અને શહેરીજનોને ભોગવવી પડતી હાલાકી દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રીના સુમારે અડિંગો જમાવીને બેઠેલા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.જેમાં રાત્રીના ૧૧-૦૦થી સવારના ૪-૦૦ કલાક સુધીમાં કુલ ૩૦ જેટલા રખડતા ઢોરોને ડબ્બે પૂરીને શહેરની પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું પાલિકા ઢોર ડબ્બાના કારકુન જયેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરના વિવિધ વિસ્તારો સહિત મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારોની સાથે સાથે મુખ્ય બજાર માર્ગો પર રખડતાં ઢોરોનો ત્રાસ શહેરીજનો માટે અસહ્ય બન્યો હતો.આ સમસ્યાને લઈને નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ દ્વારા ચીફ આફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
રાત્રીના સુમારે રસ્તા વચ્ચોવચ અડિંગો જમાવીને બેઠેલા રખડતાં ઢોરો ગંદકી ફેલાવાની સાથે સાથે આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે અકસ્માતનું કારણ બને છે . જેથી પાલિકા દ્વારા આવાં રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.નગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ઢોર ડબ્બાની ઝુંબેશને શહેરીજનોએ આવકારી છે . આ ઝુંબેશ કાયમી ધોરણે ચાલું રાખી શહેરીજનોને રખડતાં ઢોરોની સમસ્યામાથી કાયમી છુટકારો મળે તેવા પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.
પીટીએન ન્યુઝ દવારા તાજેતરમાં જ રખડતા ઢોરોને ડબે પુરવાની માંગ સાથેનો અહેવાલ પ્રસારીત કરાતાં ઉંઘતું પાલિકા તંત્ર સફાળુ જાગીને રાત્રી સમયે શહેરીજનોની સુખાકારી માટે ઢોર ડબ્બાની કામગીરી શરુ કરવામાં આવતાં પીટીએન ન્યુઝના અહેવાલનો પડઘો જોવા મળ્યો હતો.