શ્રાવણ માસ એ ઉત્સવોનો મહિનો ગણાય છે અને તેમાંય શ્રાવણ માસનું પાછલું પખવાડીયું ઉત્સવોથી ભરેલું હોય છે. નાગપાંચમ અને રાંધણ છઠ બાદ આજે પાટણ શહેરમાં લોકોએ શીતળા સાતમનું પર્વ સંપૂર્ણ શ્રધ્ધાભાવ સાથે મનાવી આ પર્વ સાથે સંકળાયેલી પારંપારીક અને ધાર્મિક પ્રણાલીની જ્યોત જગાવી હતી.
શિતળા સાતમના દિવસે અગ્ની પ્રજ્જવલીત કરવી તે નિષેધ માનવામાં આવે છે. અને તેથી મહિલાઓ ચુલો સળગાવતી નથી, અને સાતમનું ભોજન છઠ્ઠના જ દિવસે તૈયાર કરી દેવાય છે. તેથી શિતળા સાતમના દિવસે મહિલાઓને રસોડાથી રજા મળે છે. અને તેવા સમયે સ્ત્રીઓ પોતાના સંતાનોના આરોગ્ય તેમજ લાંબા આયુષ્ય માટે શિતળા સાતમનું વ્રત કરે છે. આ દિવસે એક જ ટાઈમ ઠંડુ ભોજન લે છે. અને ઠંડા પાણીથી જ સ્નાન કરે છે. ગામડામાં તળાવમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.
વ્રતધારી બહેનો શિતળા માતાના દર્શન કરીને કથા, વાર્તા તેમજ પુજન અર્ચન કરે છે. અને તેથી આજે પાટણ સહિત સમગ્ર રાજયમાં શિતળા માતાના મંદિરે મહિલાઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પાટણમાં છીંડીયા દરવાજા બહાર આવેલ અતિ પૌરાણીક શિતળા માતાના મંદિરે શ્રધ્ધાળુ બહેનોએ સાદગી પૂર્ણ શિતળા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમાં બહેનોએ શિતળા માતાને કુલેર તેમજ શ્રીફળ વગેરેની પ્રસાદી ધરાવી હતી. તો ચાલુ સાલે વૈશ્વીક કોરોના મહામારીની અસર મહદઅંશે ઓછી થતાં લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈ વિવિધ મનોરંજન સહિત ખાણીપીણીની લારીઓ જોવા મળી હતી.
તો ખોખરવાડા ખાતે આવેલ અતિપ્રાચીન સિધ્ધરાજ જયસિંહના સમયગાળા દરમ્યાન બનેલ શિતળા માતા સ્થાનકે પણ ભકતોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આમ પાટણ સહિત જિલ્લામાં શિતળા સાતમનું પર્વ શ્રધ્ધા-ભકિત સાથે ઉજવાયું હતું.
એવી ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે શીતળા માતા ઘરે ઘરે ફરવા નિકળતા હોઈ આજના દિવસે ચુલો સળગાવવામાં આવતો નથી. જેથી બહેનોએ ચુલામાં લીંપણ કરી કંકુ ચાલ્લા દ્વારા મૈયાની ભકિત કરી હતી.