ત્યજી દેવાયેલા નવજાત શિશુઓ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે અનામી પારણું મૂકવામાં આવ્યું
આ અનામી પારણાથી ત્યજી દેવાયેલા શિશુઓના જીવવાના હક્કનું રક્ષણ થશે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત થશે
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ
પાટણ સિવીલ હોસ્પિટલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખના હસ્તે અનામી પારણું મુકવામાં આવ્યું. વાલી-વારસ દ્વારા તાજા જન્મેલા નવજાતને અવાવરૂ જગ્યાએ ત્યજી દેવાની પ્રવૃત્તિને કારણે બાળકોને થતા નુકશાનને અટકાવવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા આ પહેલ કરવામાં આવી છે.
આ અંગે વાત કરતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે જણાવ્યું હતું કે, આ અનામી પારણાથી ત્યજી દેવાયેલા નવજાત શિશુઓના જીવન જીવવાના હક્કનું રક્ષણ થશે. અહીં સલામત જગ્યાએ મુકવામાં આવેલા બાળકની સારવાર અને સંભાળ દ્વારા તેના જીવનને જોખમ અટકવા સાથે તેનું ભવિષ્ય પર સુરક્ષિત થશે.
વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે, અનિવાર્ય સંજોગોમાં શિશુને તરછોડનાર વાલીની અપરાધની લાગણી ઓછી થવા સાથે શિશુની સાર-સંભાળ અને જતન બાદ સંતાનઈચ્છુક દંપતિઓને તે બાળક દત્તક આપવાથી તેમના જીવનમાં ખુશાલી આવશે.
કેટલીક વાર વાલી-વારસ દ્વારા તાજા જન્મેલા નવજાત શિશુને કોઈ અવાવરૂ સ્થળ પર, ઝાડીમાં, કચરાપેટીમાં કે ખાડા-ખાબોચીયા જેવા સ્થળોએ ત્યજી દેવામાં આવતા હોય છે જેના કારણે બાળકને શારીરિક-માનસિક ઈજાઓ થતી હોય છે. જેના કારણે બાળકનો જીવ સમયસર બચાવી શકાતો નથી. આવા નવજાત શિશુઓને કોઈ સ્થળે નોંધારા મૂકી દેવાની પ્રવૃત્તિ અટકાવવા તથા તેના જતન માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે પારણું મુકવામાં આવ્યું.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી કેતનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષમાં વિવિધ ૦૮ જેટલા ત્યજી દેવાયેલા બાળકોની સાર-સંભાળ અને ત્યારબાદની પ્રક્રિયા બાળ સુરક્ષા કચેરી દ્વારા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે અનામી પારણું મૂકવાથી શિશુને સત્વરે સારવાર મળી રહેશે. જેનાથી તેને થનારૂં શારીરિક-માનસિક નુકશાન અટકશે અને તેનો જીવ બચાવી શકાશે.
આ પારણામાં નીચે ગાદીના ભાગે સેન્સર મુકવામાં આવ્યું છે. પારણામાં શિશુને મુકવાના કારણે તે સેન્સર એક્ટિવેટ થશે અને પાસે રહેલા સ્ટાફ નર્સ રૂમમાં રહેલું અલાર્મ વાગશે. જેનાથી તુરંત જ તે શિશુની યોગ્ય સાર-સંભાળ શક્ય બનશે.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડૉ.અરવિંદ પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.સી.કાસેલા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.