પાટણ : યુનિવર્સીટી ખાતે એક વર્ષના ડિપ્લોમા કોર્ષ ની કરાઈ શરુઆત

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ દ્વારા સમયની માંગને અનુરૂપ કેટલાક નવા અભ્યાસક્રમોની મંજૂરી આપવામાં આવેલ છે જેમાં ખાસ કરીને ફાયર સેફટી અને સેનેટરી ઇન્સ્પેક્ટરના એક વર્ષના ડિપ્લોમા કોર્સ માટે અને કોલેજોએ રસ દાખવ્યો છે અને યુનિવર્સીટી દ્વારા પ્રારંભમાં અનેક કોલેજોને આ કોર્ષ શરૂ કરવા મંજૂરી આપવામાં આવેલ છે.

યુનિવર્સીટી દ્વારા શરૂ કરાયેલ આ બંને કોર્સ પૌકી ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરનો એક વર્ષનો કોર્સ પાટણ યુનિવર્સીટી કેમ્પસમાં આવેલ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે.
ધોરણ ૧ર પાસ પછી કોઇપણ વિદ્યાર્થી આ એક વર્ષના હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરના કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. આ કોર્સ કર્યાં બાદ અનેક ક્ષેત્રોમાં રોજગારીની તકો રહી હોવાનું માનવામાં આવે છે.

પાટણ યુનિવર્સીટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડો. કે. કે. પટેલે આ અંગે જણાવ્યું હતું કે યુનિવર્સીટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે એક વર્ષનો હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ ચાલું વર્ષથી શરૂ કરવામાં આવેલ છે. આ કોર્સમાં ૮૦ બેઠકોની મંજૂરી આપવામાં આવેલ છે અને હાલમાં તેની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ તારીખ ૪ -૧૦- ર૦ર૧ સુધીમાં ફોર્મ ભરીને પ્રવેશ મેળવી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કોર્સ અંતર્ગત યુનિવર્સીટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં ટીચિંગ અને ટ્રેનિંગ માટેના સ્ટાફની ભરતી કરવામાં આવી છે. આ માટે બે આસિસ્ટન્ટ પ્રોફેસર, એક ટ્રેનર અને એક ટ્યુટરનું મહેકમ મંજૂર કરવામાં આવેલ છે.

આ ઉપરાંત અહીં આ કોર્સ માટે જરૂરી સાધન સામગ્રી સાથેની લેબોરેટરી બનાવવાનું પણ આયોજન કરાયેલ છે. સ્કીલ બેઝ આ કોર્સમાં ઇન્ડસ્ટ્રીઝની ટ્રેનીંગ ઉપર વધુ ભાર મૂકીને ફિલ્ડ સ્ટડી કરાવી વિદ્યાર્થીને સાચા અર્થમાં હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર ક્ષોત્રે તૈયાર કરવામાં આવશે એમ ડો.કે.કે પટેલે જણાવ્યું હતું.