પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના શનિવારના રોજ જન્મ દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં તેઓના સમર્થકો દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ધારાસભ્યને જન્મદિનની શુભેચ્છા પાઠવતા બેનરો તેમજ હોડરિંગ્સ લગાવવામાં આવ્યા હતા. જે હોડરિંગ્સ અને બેનરોના મામલે રાજકીય હાથો બનીને ધારાસભ્યના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા બેનરો અને હોડરિંગ્સ ઉતારવા આવેલા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને ધારાસભ્યના સમર્થકોએ બગવાડા ચોકમાં જ હોડરિંગ્સ ઉતારવા મામલે ધક્કે ચડાવ્યા હતા.
ચીફ ઓફિસરને ધારાસભ્યના સમર્થકો તેમજ પાટણ નગરપાલિકા વિપક્ષના નેતા ભરત ભાટીયા સહિતના કોંગ્રેસી આગેવાનોએ બેનર તેમજ હોડરિંગ્સ નહિ ઉતારવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજકીય હાથો બનેલા ચીફ ઓફિસર જીદ્દ પકડીને શહેરના બગવાડા દરવાજા પાસે લગાવેલા પાટણ ધારાસભ્ય ને જન્મદિવસની શુભેચ્છા આપતા હોડરિંગ્સને ઉતારવાનો હઠાગ્રહ પકડતા ઉશ્કેરાયેલા પટણ ધારાસભ્યના સમર્થકોએ ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યા હતા અને આક્રોશ સાથે બગવાડા દરવાજા નજીક લગાવેલ અન્ય રાજકીય પાર્ટીના આગેવાનના બેનરો ને પ્રથમ ઉતારવા જણાવી ચિફ ઓફીસરને રાજકીય હાથો નહીં બનવા સૂચિત કર્યાં હતા.
આ મામલે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ ને જાણ થતાં તેઓએ પણ બગવાડા દરવાજા ખાતે આવી ચિફ ઓફીસરને બોર્ડ ઉતારવા કોને આદેશ કર્યો છે તેનું નામ જણાવવા કહેતાં ચિફ ઓફિસરે ચુપકીદી સેવતા ધારાસભ્યનાં સમર્થકોમાં આક્રોશ જોવા મળતાં વાતાવરણ તંગ બનવા પામ્યું હતું, તો બનાવને પગલે કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં પાટણના ધારાસભ્ય એ પોતાનાં સમથકોને સમજાવી ચિફ ઓફિસરને સ્થળ પરથી રવાના કરી મામલો થાળે પાડયો હતો.
પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે હોડરિંગ્સ મામલે ચીફ ઓફિસર તેમજ પાટણ ધારાસભ્યના સમર્થકો વચ્ચે થયેલી હુંસાતુસીનો મામલો જોવા માટે લોકોના ટોળા બગવાડા ચોકમાં એકત્રિત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પાટણ ધારાસભ્યના જન્મદિન પ્રસંગે લગાવાયેલા હોડરિંગ્સની અને બેનરો રાધણ છઠની રજાના દિવસે પણ ચીફ ઓફિસર દ્વારા સમી સાંજે પાલિકાના સ્ટાફને લઈને બગવાડા દરવાજા ચોકમાં આવી પહોંચતા નગરજનોમાં ચીફ ઓફિસરની કામગીરી ટીકા પાત્રની સાથે સાથે ચિફ ઓફિસર રાજકીય દોરી સંચારથી કોંગ્રેસના ધારાસભ્યના જન્મદિન પ્રસંગે લગાવેલા બેનરો ઉતારવા આવ્યા હોવાની ચર્ચા શહેરીજનોમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.
આ અંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચા માળીએ જણાવ્યું હતું કે, બગવાડા દરવાજા ખાતે નગરપાલિકાના માલિકીના હોડરિંગ્સ ઉપર અગાઉ બીજી પાર્ટીનું બેનર લગાવવામાં આવેલુ હતું અને તે બેનર ઉપર ધારાસભ્ય કિરીટ પટેલનું બેનર લગાવવામાં આવતા તે બાબતે રજૂઆત મળતા અમે બેનર ઉતારવા માટે આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, જો ખાલી હોડરિંગ્સ ઉપર બેનર લગાવવામાં આવ્યુ હોત તો કોઈ વિવાદ થયો ન હતો પરંતુ અગાઉથી કોઈ પાર્ટીનું બેનર લગાવ્યું હતું અને તેના ઉપર બીજી પાર્ટીનું બેનર લગાવવામાં આવતા વિવાદ થયો હતો અને ચીફ ઓફિસરે અગાઉ ભાજપનું લગાવેલું બેનર પણ ગેરકાયદેસર હોવાનું જણાવી પાટણના ધારાસભ્યનું પણ બેનર ગેરકાયદેસર હોવાનું જણાવતાં ભાજપનું બેનર એક મહિના ઉપર લગાવેલું હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને કોંગ્રેસના જ એક દિવસ માટે લગાવેલા બેનર સામે કાર્યવાહી કરવા આવતાં ધારાસભ્યના સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
પરંતુ હવે નગરપાલિકાની માલિકીના જે પણ શહેરમાં હોડરિંગ્સ લાગેલા છે તેમાં નગરપાલિકાની મંજૂરી વગર લગાવવામાં આવેલા તમામ બેનરો ઉતારી લેવામાં આવશે.