પાટણ શહેરમાં અનેક પડવાના વાંકે મકાનો અને દુકાનો ઉભી હોવા છતાં જે તે સ્થાનિક રહીશોએ પાલિકામાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે ચોમાસા પૂર્વે આવી મિલ્કતોને ઉતારી લેવા માટે મકાન માલિકો કે દુકાન માલિકોને નોટીસ પાઠવી માત્ર પાટણ નગરપાલિકા સંતોષ માની રહી છે.
જોકે નોટીસ પાઠવ્યા બાદ જે તે મકાનો કે દુકાનો પડવાના વાંકે ઉભી હોય તેની વિરુધ્ધ પાલિકા દ્વારા તેને ઉતારી લેવાની કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ન ધરાતાં શહેરીજનોમાં પાલિકાની કામગીરી પ્રત્યે રોષ જોવા મળી રહયો છે.
ત્યારે પાટણ શહેરના હાર્દસમા એવા ચતુભુજ બાગની પાસે આવેલા ઠકકરના ડેલામાં બે જેટલા જર્જરીત અને પડવાના વાંકે મકાનો ઉભેલા જોવા મળી રહયા છે ત્યારે આ મકાનોમાંથી કેટલીકવાર તેનો કાટમાળ પડવાના બનાવો પણ બન્યા છે જેથી અહીં આવેલી દુકાનો અને ઓફિસોના માલિકો સહિત કામઅર્થ આવતાં લોકોને ભયના ઓથાર હેઠળ અહીંથી પસાર થવાની ફરજ પડી રહી છે તો કેટલોક ભાગ તો પડવાના વાંકે અડીને ઉભેલો જોવા મળ્યો હતો.
જેથી છેલ્લા ઘણા સમય બાદ વરસાદનું આગમન થતાં વરસાદમાં આ મકાન પડવાથી લોકોને ખૂબજ નુકશાન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેથી પાલિકા દ્વારા આ મકાનને વહેલી તકે મકાન માલિક જોડે ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિક દુકાનદારોએ માંગ કરી હતી.