Police Parade Patan

710 જવાનો પોલીસ પરેડમાં સહભાગી થયા…

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિદર્શન યોજાયું હતું.

આ પરેડમાં નિરીક્ષણ સહિત વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નાગરિકોનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે તેમજ પોલીસની વિવિધ કામગીરીથી નાગરિકો અવગત થાય તે હેતુથી પોલીસ દ્વારા વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં પોલીસ વિભાગ પણ સહભાગી બન્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલની આગેવાની અને માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ કાર્યક્રમોમાં પરેડ, રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો, બેન્ડ ડિસ્પલે સહિત સાંસ્કૃતિ કાર્યક્મોનું આયોજન થયું હતું.

આ પરેડમાં રાજ્યની વિવિધ પ્લાટુને પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગરની ચેતક કમાન્ડો પ્લાટુન, મંડાળા પુરુષ પ્લાટુન એસઆરપી જૂથ ૩, મુડેટી પુરુષ પ્લાટુન એસઆરપી જૂથ ૬, મહેસાણા જિલ્લા પોલીસ મહિલા પ્લાટુન, ગાંધીનગર જિલ્લા પોલીસ મહિલા પ્લાટુન, ગુજરાત જેલ વિભાગ પુરુષ પ્લાટુન, પાટણ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટુન, જામનગર મરીન કમાન્ડો પ્લાટુન, બનાસકાંઠા જિલ્લા પોલીસ પુરુષ પ્લાટુન, કચ્છ પૂર્વ પોલીસ પુરુષ પ્લાટુન, કચ્છ ભુજ પોલીસ પુરુષ પ્લાટુન, સાબરકાંઠા જિલ્લા પોલીસ મહિલા પ્લાટુન, બનાસકાંઠા જિલ્લા પોલીસ મહિલા પ્લાટુન, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પુરુષ પ્લાટુન, પાટણ જિલ્લા હોમ ગાર્ડ પ્લાટુન, પાટણ જિલ્લા ગ્રામ રક્ષક પ્લાટુન, પાટણ જિલ્લા એસ.પી.સી પ્લાટુન, પોલીસ એસઆરપી બેન્ડ પ્લાટુનનો સમાવેશ થાય છે.

આ પરેડમાં વિવિધ ટેબલો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કુલ ૭૧૦થી વધુ કર્મચારીઓએ પરેડમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.