Patan Distribution of nutrition kits to pregnant mothers

તંદુરસ્ત બાળકો જ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકે, તેમને પોષણયુક્ત આહાર અપાય તે જરૂરી : જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા

રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી તૈયાર કરવામાં આવેલી પોષણ કિટના વિતરણ ઉપરાંત રસીકરણ કેમ્પનું પણ કરાયું હતું આયોજન

રાજ્યભરમાં પોષણમાસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લાની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા મિશન અન્નસેવા અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો. જિલ્લા પંચાયત ભવનના સ્વર્ણિમ હૉલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના હસ્તે સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટ અર્પણ કરવામાં આવી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું કે, સગર્ભા મહિલાઓમાં મોટાભાગે હિમોગ્લોબિનની ઉણપ તેમના આરોગ્ય સામે અનેક સમસ્યાઓ ઉભી કરે છે. સગર્ભાવસ્થા દરમ્યાન સંતુલિત ખોરાક કુપોષણ નિવારવા માટે ઉત્તમ ઉપાય છે. સાથે સાથે તંદુરસ્ત બાળક જ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકે છે. માટે બાળકો આહાર લેતા થાય ત્યારથી જ તેમને લીલા શાકભાજી અને કઠોળ સહિતનો સંતુલિત આહાર આપવામાં આવે તે આવશ્યક છે. આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આપવામાં આવતા ટી.એચ.આર. પેકેટનો સાચો ઉપયોગ અને કિચન ગાર્ડન તૈયાર કરીને કુપોષણ નિવારવાની દિશામાં પ્રયત્નો થવા જોઈએ.

વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, કેટલીક સગર્ભા અને ધાત્રી માતાઓએ કોરોના પ્રતિરોધક રસી અંગે ડર કે ખોટી માન્યતાના કારણે રસી લીધી નથી. પરંતુ આ અવસ્થામાં પણ રસીની કોઈ આડઅસર થતી નથી તેવું નિષ્ણાંતોએ જણાવ્યું છે. શિતળા અને પોલીયો જેવા રોગોને રસીકરણથી જ નાથી શકાયા છે ત્યારે કોવિડ સામે રક્ષણ મેળવવા તમામે રસીકરણ કરાવવું જ જોઈએ.

રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની જરૂરિયાતમંદ સગર્ભા અને ધાત્રી માતાઓને ૧૦૦ જેટલી પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કાર્યક્રમ સ્થળ પર કોરોના પ્રતિરોધક રસીકરણ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓએ રસીકરણ કરાવ્યું હતું.

આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એન. પંડ્યા તથા રીટાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરપર્સન સેજલબેન દેસાઈ, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઑફિસર ગૌરીબેન સોલંકી, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એસ.પટેલ, રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ મુકેશભાઈ દેસાઈ તથા સગર્ભા અને ધાત્રી માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024