પાટણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૭પમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. દેશના સ્વાતંત્ર્યને ૭પ વર્ષ થઈ રહ્યા છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ હેઠળ પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ ધ્વજવંદન કરાવી પોલીસ પરેડનું નિરિક્ષણ કર્યુ હતું.
દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓને વંદન કરતાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહિદ મંગલ પાંડેથી લઈ રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવવા પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું હતું. જેના ફળરૂપે આજે આપણે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે. સાથે જ કલેક્ટરએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા પાટણના સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ યાદ કર્યાં હતા.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, દેશને આઝાદી મળી ત્યારે વિશ્વના દેશોને લાગતું હતું કે ભારત વિકાસ નહીં કરી શકે. પણ ૭પ વર્ષની આ યાત્રામાં આજે શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના ક્ષેત્રમાં વિશ્વના અનેક દેશોની જેમ ભારતે પણ સિદ્ઘીઓ હાંસલ કરી છે અને હજુ પણ વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સ્વતંત્ર ભારતની સુરક્ષા અને સલામતી માટે હરપળ તૈનાત સેનાના જવાનો અને પોલીસ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી જિલ્લા કલેક્ટરએ પાટણ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો રજૂ કરી દેશ અને રાજ્યના વિકાસમાં પાટણ જિલ્લો સહભાગી હોવાનું જણાવ્યું હતું.
આગામી સમયમાં શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારી જેવા પડકારોનો સામનો કરવા નવી વ્યવસ્થાઓ ઉભી કરવા તથા સંસ્થાઓ અને નાગરિકોને સરકારશ્રીના કોરોના વાયરસ મહામારીને નાથવાના પ્રયાસોમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
ધ્વજવંદન બાદ પોલીસ પ્લાટુન દ્વારા હર્ષ ધ્વનિ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરએ ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરિક્ષણ પણ કર્યુ હતું
૭પમા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના હસ્તે કોરોના વાયરસ મહામારી દરમ્યાન ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સને તેમની નિષ્ઠાપૂર્ણ ફરજ માટે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર પોલીસ પ્લાટુનને જિલ્લા કલેક્ટર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ પોલીસ જવાનોને કોવિડ કેર કીટ પણ અપ્રણ કરવામાં આવી હતી. કાર્યક્રમની પૂણાહૂતિ બાદ જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો દ્વારા પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાના ૭પમા સ્વાતંત્ર્ય પર્વ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકાના પ્રમુખ સુ સ્મિતાબેન પટેલ, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.પરમાર, મદદનીશ કલેક્ટર સચિન કુમાર તથા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.