વૈશ્વિક કોરોના મહામારીની બીજી લહેરમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું ત્યારે શહેરની સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓ તેઓની વ્હારે આવી તેઓને મદદરુપ નિવડી હતી ત્યારે કોરોનાનું સંક્રમણ ઓછું થતાં રાજય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં નાના મોટા ધંધાઓને છુટ આપવામાં આવી હતી
ત્યારે કોરોનાની બીજી લહેરમાં રીક્ષાા ચાલકો અને ગાડી ચાલકોની હાલત કફોડી બની જવા પામી હતી. ત્યારે તેઓ દ્વારા માંડ માંડ પોતાના ઘરનું ગુજરાન ચલાવ્યું હતું ત્યાંજ કોરોનાની મહામારી મહદઅંશે ઓછી થતાં તેઓ ફરીથી પોતાના કામધંધે લાગ્યા હતા.
ત્યાંજ સીએનજી કંપનીના ઓનલાઈન પંપો ૧૬ તારીખથી ર૦ તારીખ સુધી બંધ કરી દેવાતાં તેઓની હાલત ફરીથી કફોડી બની જવા પામી છે અને પાટણના તમામ ઓનલાઈન સીએનજી પંપો લાઈન સીફટીંગને લઈ બંધ કરી દેવામાં આવતાં તેઓને ગેસ પુરાવવાની હાલાકી પડતાં પોતાનું ગુજરાન ચલાવવું ફરી એકવાર મુશ્કેલ બન્યું છે.
ત્યારે બળવંતસિંહ નામના એક ઈકો ગાડીના ચાલકે જણાવ્યું હતું કે માંડમાંડ કોરોનાની મહામારીમાંથી બહાર આવી અમે ધંધો રોજગાર ચાલુ કર્યો છે ત્યાંજ સીએનજી ઓનલાઈન પંપો બંધ થઈ જતાં અમારી હાલત ફરીથી કફોડી બની જવા પામી છે.
એકબાજુ પેટ્રોલ અને ડીઝલના દિન પ્રતિદિન વધતા ભાવો આજે આસમાને પહોંચી જતાં અમે વર્ધીમાં ફરતા હોવાથી પેટ્રોલ અને ડીઝલ પરવડે તેમ ન હોઈ અમારા ધંધા રોજગાર ફરીથી છીનવાઈ ગયા છે જેથી અમારે અમારુ ગુજરાન કઈ રીતે ચલાવવું અને બાળકોની સ્કૂલની ફી અને તેઓની શૈક્ષાણિક સાધન સામગ્રી કેવી રીતે લાવવી તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.
ત્યારે પાટણની આજુબાજુના બુસ્ટર સીએનજી પંપ ચાલુ હોઈ ત્યાં પણ સીએનજી કંપની દ્વારા યોગ્ય માલનો પુરવઠો પુરો પાડવામાં ન આવતાં રોજ ઝઘડાઓ થતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી ઓનલાઈન સીએનજી ગેસના પંપ બંધ છે ત્યાં સુધી બુસ્ટર સીએનજી પંપોને તેઓની માંગ મુજબનો પુરવઠો આપવામાં આવે તેવી બુસ્ટર સીએનજી પંપના માલિકોની માંગ ઉઠવા પામી છે.