પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ સોસાયટી ના સામેના ભાગે આવેલ ખાણી પીણીની લારીઓ ની બાજુમાં ગટરના પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.
ત્યારે રાધનપુરમાં મોટાપાયે રોગચાળો ફાટી નીકળવાની દહેશત નગરજનો સેવી રહયા છે. એક બાજુ નવરાત્રી દશેરા જેવા તહેવારો ચાલી રહયા છે તો બીજીબાજુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ સોસાયટીની સામે ખાણી પીણીની લારીઓ આવેલી છે તેની બાજુમાંથી પસાર થતી નગરપાલિકાની ભૂગર્ભ ગટરના કારણે છાશવારે ગટર ઉભરાવાને લઈ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતાં ખાણી પીણીની લારીઓ પર નાસ્તો અને ખાવા આવતા લોકો રોગ ચાળાનો શિકાર બનવાની શકયતાઓ જોવા મળી રહી છે.
ત્યારે આરોગ્ય તંત્ર નગરપાલિકા ફૂડ વિભાગ સહિત પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક ધોરણે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી રાધનપુર વિસ્તારના લોકોને રોગચાળાનો શિકાર બને તે પૂર્વે ભૂગર્ભ ગટરોની સાફ સફાઈ કરાવી ગંદકી દૂર કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
તો આરોગ્ય તંત્ર હરકતમાં આવી રાધનપુર જેવા પછાત વિસ્તારને રોગચાળાના ભરડામાંથી બચાવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી હતી. નગરપાલિકા સામે સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે કે ચીફ ઓફિસરની મનમાનીને લઈ રાધનપુરની જનતા અને તાલુકાની જનતા તેનો ભોગ બની રહી છે.