પાટણના હારીજમાં સાંજના સમયે આંગડિયા પેઢીમાં સાત લાખ રૂપિયાની લૂંટની ઘટના બનતા ચકચાર મચી છે. પેઢીમાં ઘૂસી આવેલા પાંચ બુકાનીધારીઓેએ પિસ્ટોલ જેવું હથિયાર બતાવી પેઢીના કર્મચારી પાસેથી રોકડ રકમ ભરેલો થેલો લઈ ફરાર થયા હતા. માત્ર ર૦ સેકન્ડમાં જ લૂંટારુઓએ ગુનાને અંજામ આપ્યો હતો. લૂંટનો સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
પાટણના તાલુકા મથક હારીજમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં સાંજના સાતેક વાગ્યાના અરસામાં રૂટીન કામગીરી ચાલી રહી હતી. ત્યારે જ એકબાદ એક પાંચ બુકાનીધારીઓ ઓફિસની અંદર ઘૂસી ગયા હતા. ઓફિસમાં હાજર લોકો કંઈ સમજે તે પહેલા જ એક લૂંટારા દ્વારા પોતાની પાસે રહેલી પિસ્તોલ જેવું હથિયાર વેપારી સામે તાકવામા આવ્યું હતું. જે વ્યકિત પાસે પૈસાની બેગ હતી તેને માર મારી તેની પાસેથી રોકડ ભરેલી બેગ ઝૂંટવી લેવામા આવી હતી.
પાંચેય લૂંટારુંઓ માત્ર ર૦ જ સેકન્ડના સમયમાં લૂંટ ચલાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.ઓફિસની અંદર તો લૂંટારુઓએ હાથમાં હથિયાર રાખ્યું હોવાથી કર્મચારીઓએ તેમનો પ્રતિકાર કરવાની હિંમત કરી ન હતી. પરંતુ, લૂંટારુ બહાર નીકળતા જ આંગડિયા પેઢીના કર્મચારીઓએ બૂમાબૂમ કરી મુકી હતી. પરંતુ, ત્યાં સુધીમાં પાંચે લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.
આંગડિયા પેઢીમાં લૂંટની ઘટનાનો સમગ્ર બનાવ સીસીટીવી માં કેદ થયો હોય પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે. હાલ જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂંટને અંજામ આપી ફરાર થયેલા લૂંટારુઓને ઝડપી પાડવા કવાયાત હાથ ધરવામા આવી છે.