હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કન્વેન્શન હોલ ખાતે પાટણ વિકાસ પરિષદ, પાટણ વેપારી મહામંડળ અને શહેરની સંસ્થાઓ દ્વારા કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી અર્જુનનરામ મેઘવાલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આચાર્ય હેમચંદ્ર સુરિશ્વરજીને યાદ કરતાં કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે, સિદ્ઘહેમશબ્દાનુશાસન જેવો મહાન ગ્રંથ આપનાર આચાર્યજીની આ પાવન ભૂમિ પરથી આપને વિશ્વાસ અપાવું છું કે ઐતિહાસિક નગર પાટણની સંસ્કૃતિ અને વિરાસતને જાળવી રાખવાના, તેના વિકાસના, પટોળા જેવી હસ્તકલાના સંવર્ધન અને એરપોર્ટ સહિતના વિકાસના કામોમાં શક્ય એ તમામ પ્રયત્નો કરવામાં આવશે.
દેશભરમાં વિવિધ સ્થળોએ ઉત્ખનનમાં મળી આવેલા અવશેષોનો ઉલ્લેખ કરી કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આપણી સભ્યતા હજારો વર્ષ જૂની તો છે જ પણ તેના પ્રમાણ આવા ઉત્ખનન દ્વારા મળે ત્યારે તે વધુ પ્રમાણભૂત ગણાય છે. તે જ રીતે સરસ્વતી નદીમાંથી આવતા પાણીને રૂદ્રકુપ દ્વારા ફિલ્ટર કરી સહસ્ત્રલિંગ સરોવરમાં ઠાલવવામાં આવતું તે ઘરશાવે છે કે આજથી હજારો વર્ષ પહેલા આપણી પાસે પાણી શુદ્ઘ કરવા માટે પણ કેટલી એડવાન્સ ટેક્નીક્સ હતી. પાણી શુદ્ઘ કરવાની આટલી એડવાન્સ ટેકિ્નકનો હજારો વર્ષ પહેલા ઉપયોગ થયો હોય તેવું આ પહેલુ સ્થળ મેં જોયું છે.
પ્રાસંગિક ઉદબોધન કરતાં સાંસદ ડો.કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું કે, અર્જુનરામ મેઘવાલજીએ પાટણ ખાતે આવેલા ઐતિહાસિક સ્થળો નિહાળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે જ તેમની સાંસ્કૃતિક બાબતોના વિકાસ કરવા પ્રત્યેની રૂચિ દર્શાવે છે. સહસ્ત્રલિંગ સરોવરના વિકાસ થકી પાટણની પ્રભુતા ઉજાગર કરવા મેઘવાલજી આવશ્યક તમામ કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
પાટણ શહેરની સંસ્થાઓના કન્વીનર યતિનભાઈ ગાંધીએ પાટણ-ભિલડી રેલવે લાઈનના નિર્માણ માટે શહેરના નાગરિકો વતી સાંસદ ડો.કિરીટભાઈ સોલંકીનો આભાર વ્યક્ત કરી, રૂદ્રકુપ તથા સહસ્ત્રલિંગ સરોવરના ઉત્ખનન અને વિકાસ દ્વારા પાટણની પ્રભુતાને પુન:જીવીત કરવાની દિશામાં પ્રયત્નો થાય તે માટે રજૂઆત કરી હતી.