નેશનલ બેન્ક ફોર એગિ્રકલચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ (નાબાર્ડ) ના ચેરમેન ડો. જિ. આર. ચિંતલા, નાબાર્ડ ગુજરાતનાં રિજીયોનલ ચીફ જનરલ મેનેજર ડી. કે મિશ્રા, મુંબઈના રિજીયોનલ ચીફ જનરલ મેનેજર દેબાશીશ પાધી, જનરલ મેનેજર સરસ્વતીજી સહિત નાબાર્ડની ટીમ પાટણ જિલ્લાની મુલાકાતે આવી પહોંચી હતી.ત્યારે નાબાર્ડ ડીડીએમ રાકેશ વર્મા બનાસ બેન્કના જનરલ મેનેજર અશોક ચૌધરી બનાસકાંઠામાં બનાસ ડેરીની મુલાકાત અને ત્યારબાદ માં અંબાના દર્શન કરી તેઓએ પાટણ જિલ્લાના સરહદી વિસ્તાર સાંતલપૂરની મુલાકાત લીધી હતી. તેમણે સાંતલપુર ખાતે સાંતલપુર વિવિધ સહકારી મંડળીના નબાર્ડના સહયોગ થી નવીન ૪૦ લાખના ખચે બનનાર પ્રોસેસિંગ યુનિટનું શિલાન્યાસ કયું હતું.
આ ઉપરાંત સાંતલપુર વિસ્તારમાં નર્મદાના નીર આવવાથી ખેડૂતોની આગામી જરૂરિયાતોને ચકાસી હતી. તેમણે અહીંયા સ્થાનિક કક્ષાએ મહિલાઓ દ્વારા થતાં ભરત ગૂંથણ કામને પણ બિરદાવી આ પ્રવુતિને વેગવાન બનાવવા નાબાર્ડ તરફથી સહયોગ આપવાની ખાતરી આપી હતી. સ્થાનિક મહિલાઓ સમૂહમાં ઓ.એફ.પી.ઓ કંપની બનાવશે તો નાબાર્ડ તેમને તાલીમ આપી આર્થિક રીતે પણ મદદરૂપ બનશે.અને ત્રણ વર્ષ સુધી નાબાર્ડ ગ્રાન્ટ આપી તેને પાયામાંથી ઊભી કરી બજાર સુધી લઈ જશે તેમણે સ્થાનિક મહિલા અગ્રણી પશીબેન પાસે તેમના આ કામની માહિતી મેળવી હતી. તેમણે સાંતલપુર તાલુકાની વિવિધ મંડળીઓને ખેડૂતોને ખેતી કામમાં સસ્તા દરે ટ્રેક્ટર, રોટાવેટર સેટ ખેડૂતને આપીને પ્રસ્થાન કરાવવા લીલીઝંડી આપી હતી.
ત્યારબાદ તેમણે બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના વરણોસરી ખાતે આવેલા જીરા પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી હતી. તેમણે આ વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી ખેતી કામમાં લેવાતા હોલિયા વિષે પણ જાણ્યું હતું. સાથે સાથે બનાસ પ્રોડ્યુસર કંપનીના નવિન ઇનિટગ્રેટેડ પ્રોસેસિંગ યુનિટનું ખાતમુહર્ત કયું હતું. ત્યારબાદ હારીજ ખાતે આવેલા આનર્ત ગુર્જરા ક્રાફટ ઓ.એફ.પી.ઓ. ની મુલાકાત લઈ મહિલા સશક્તિકરણ માટે આ પ્રવુતિમાં નાબાર્ડ પણ સહયોગી બની રહ્યું છે તે માટે ખુશી વ્યક્ત કરી હતી. બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત આ ઓ એફ પી ઓ માં ચાણસ્મા અને હારીજ તાલુકાની ૪૦૦ બહેનો આ ક્રાફ્ટ વર્કમાં જોડાયેલી છે.
જે સુતરાઉ કાપડથી લઈ મશરૂ કાપડ પર નવીનતમ ડીઝાઈન સાથે તેની ઉપર ગૂંથણ કામ કરે છે. જે ગુજરાતની પ્રથમ ઓએફપીઓ છે. હારીજ ખાતેના આ યુનિટમાં કોરોના કાળ વખતે પણ ૩૦ જેટલી નવીન પ્રોડક્ટ મૂકી હોવાનું ચેરમેન આરતીબેને જણાવ્યું હતું જે હકીકત જાણી પાટણ કલેકટર સુપ્રીતસિંહ ગુલાટી પ્રભાવિત થયા હતા. આ આનર્ત ગુર્જરા ક્રાફ્ટ સેન્ટર ખાતે સુંદર આઉટલેટ બનાવવામાં આવ્યું હતું જેમાં ડ્રેસ, ઓશિકાના કવર, બગલ થેલા કોન્ફરન્સ ફાઇલ, મોતી ભરેલા કળશ વગેરે પ્રસ્તુત કરાયું હતું આ મુલાકાતો પ્રસંગે નાબાર્ડ ચેરમેને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦રર સુધીમાં ખેડૂતોને આવક બમણી કરવાનું વચન આપ્યું છે ત્યારે ભારતના ગ્રામીણ અર્થ તંત્રને મજબૂત કરવા નાબાર્ડ કામ કરી રહ્યું છે. જેના માટે ખેડૂતોના પાકનું મૂલ્યવર્ધન કરવું જરૂરી છે.
આ માટે જ હવે નાબાર્ડ ખેડૂત કંપનીઓને ગામડામાં ગોડાઉન, પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડ સ્ટોરેજ તેમજ ખેતી કામ માટે કામ કરતી સહકારી મંડળીઓને આર્થિક રીતે કોઈપણ મુશ્કેલી ના પડે તે માટે નાબાર્ડ તેમની સાથે છે તેવી ખાત્રી આપી હતી. તેમણે ગુજરાતના સહકારી માળખાના વખાણ કર્યાં હતા. તેમણે બનાસ ડેરી ને પણ ૪૦૦ કરોડની મદદની વાત કરી હતી.
આ પ્રસંગે તેમનું સાંતલપુર વિવિધ સહકારી મંડળીના પ્રમુખ રસુલખાન, બનાસફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન કરસનજી જાડેજા, બાબુજી ઉપરાંત ખેડૂતો સાથે પણ ચર્ચા વિચારણા કરી હતી.
બનાસબેન્કના જનરલ મેનેજર અશોક ચૌધરી અને એમ ડી માધાભાઈ એ પણ તેઓને અહી બનાસબેન્ક દ્વારા મળતી ક્રોપલોન અને અન્ય મદદ વિષે વાકેફ કર્યાં હતા.