શ્રાવણ સુદ પાંચમ એટલે નાગપંચમી. આ દિવસે રાજયભરમાં ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો નાગદેવતાનું પૂજન અર્ચન કરતાં હોય છે. આજ કાલ શહેરોમાં પણ લોકોની શ્રધ્ધા નાગદેવતા પ્રત્યે જોવા મળી રહી છે. ત્યારે પાટણમાં પણ વિવિધ નાગદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી.
કળીયુગનો હાજર દેવ એટલે નાગદેવતા. દ્રશ્યમાન થતાં આ દેવમાં ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો માં શ્રધ્ધા વધારે હોય છે. ખેતરમાં કે પછી વન-વગડામાં કામ કરતાં ખેડૂતો અને પશુપાલકો સમક્ષા ઝેરી જીવો કરડવાનો ભય સતત રહેતો હોય છે અને તેથી પોતાના જાનમાલને ઝેરી જીવોથી નુકશાન ન થાય તે માટે નાગદેવતા નું પૂજન-અર્ચન કરવામાં આવતું હોય છે. ગામડાંમાં એવી માન્યતા છે કે, નાગપંચમીના દિવસે નાગદેવ મંદિરે પૂજન-અર્ચન કરવાથી નાગદાદા સમગ્ર વર્ષ સુધી ખેડૂતો અને પશુપાલકોના રક્ષાણહાર બને છે.
તો વળી હવે શહેરી કક્ષાએ પણ નાગદેવતા પ્રત્યે શ્રધ્ધા વધી છે અને પાટણના વિવિધ નાગદેવ મંદિરે નાગપંચમીની ઉજવણી ધર્મમય માહોલમાં કરવામાં આવી હતી.
તો પંચાસરા વિસ્તારમાં આઝાદ ચોક ખાતે આવેલ વડવાળા ગોગા મહારાજના મંદિરે સુંદર આંગી કરવામાં આવી હતી. અને ચાલુ સાલે વૈશ્વીક કોરોના મહામારીને લઈ પ્રથમ વખત નાગપંચમીનો મેળો આઝાદ ચોક ખાતે સરકારની ગાઈડ લાઈન મુજબ ભરાયો હતો. અને વડવાળા ગોગા મહારાજના મંદિરે પણ સાદગી પૂર્ણ નાગ પાચમની ઉજવણી કરવામાં આવી હતી. તો અહીં ભકતો માટે ગોગા મહારાજને દર્શનાર્થ ખુલ્લા મુકવામાં આવતા, ભાવિક ભકતો સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક સાથે ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો નાગ પાંચમના દિવસે ગોગા મહારાજને કુલેર અને શ્રીફળની ભાવિક ભકતોએ શ્રધ્ધા સાથે પ્રસાદી ચડાવી મહારાજના નાગ પાંચમના પવિત્ર દિવસે આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ગોગા મહારાજના દર્શનાથર્ી ચંદુ ઠકકરે નાગપંચમીના દિવસે વડવાળા ગોગા મહારાજ આસ્થાના પ્રતિક સમા બની રહેતાં મોટીસંખ્યામાં ભાવિકભકતોએ તેના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું.
તો પંચાસરા જૈન ઉપાશ્રયની પાછળના ભાગે આવેલ વર્ષો જુના ગોગા મહારાજના મંદિરે નાગપંચમીના પવિત્ર દિને ગોગા મહારાજને દર્શનાર્થ મૂકવામાં આવતાં મોટીસંખ્યામાં ભાવિક ભકતોએ દર્શન-પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
તો પાટણ શહેરના કોહિનુર સિનેમાની સામે જાહેરમાર્ગની વચ્ચે આવેલા શ્રી જાહરવીર ગોગા મહારાજ મંદિરે પણ નાગપંચમીની ઉજવણી ભારે હર્ષોલ્લાસ અને આસ્થા સાથે કરવામાં આવી હતી તો મોટીસંખ્યામાં ભાવિક ભકતોએ ગોગા મહારાજના દર્શન કરી ચોખ્ખા ઘીની કુલેરનો પ્રસાદ ચડાવી નાગપંચમીની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી.