પાટણ શહેરના વોર્ડ નં.૯માં સમાવિષ્ટ માખણીયા પુરાના ઘન કચરાના નિકાલની જગ્યાઓ પર ખેડૂતોને પસાર થવા માટે બાર ફૂટનો પહોળો રોડ જોવા મળતો હતો પરંતુ પાલિકાના સફાઈ કર્મીઓની અણઆવડત અને એસ.આઈ. અને ચીફ ઓફિસરની બેદરકારીને લઈ સફાઈ કર્મીઓ રોડની આજુબાજુ કચરો ઠાલવી દેતાં આજે રોડ માત્ર ત્રણથી ચાર ફૂટ જેટલો જ થઈ જતાં ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવી રહયો છે.
ત્યારે અગાઉ પણ રોડપર કચરો નાંખવા બાબતે સાંડેસરા પાટીના ખેડૂતો દ્વારા પાલિકાના વાહનોને રોકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો ત્યારે સોમવાર બપોર સુધી આ બાર ફૂટના રસ્તાને પાલિકા તંત્ર દ્વારા ખુલ્લો કરવામાં નહીં આવે તો નાછૂટકે સાંડેસરા પાટીના ખેડૂતો દ્વારા પાલિકાના વાહનો રોકી અહીંથી કચરો ભરી પાલિકાને પાછો સુપ્રત કરવામાં આવવાની પણ ચિમકી સાંડેસરા પાટીના પ્રમુખ જયેશ પટેલે ઉચ્ચારી હતી.
આમ એકબાજુ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શહેર સહિત જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી લોકોને સ્વચ્છતા રાખવા સંદેશો પાઠવવામાં આવી રહયો છે તો બીજીબાજુ પાલિકાના જ કર્મચારીઓ દ્વારા રોડપર કચરો નાંખી દેવામાં આવતાં સાંડેસરા પાટીના ખેડૂતો હાલાકી ભોગવી રહયા છે તે કેટલે અંશે વ્યાજબી કહેવાય?
તો માખણીયા ડમ્પર સાઈટની દેખરેખ રાખતાં કર્મચારીએ પાલિકાના સત્તાધીશો અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ ધ્યાને લેતું ન હોવાનું જણાવી અનેકવાર જેસીબીની માંગ કરી હોવા છતાં પણ માખણીયા ઘનકચરાની સાઈટ પર જેસીબી ફાળવવામાં ન આવતાં આજે ગંદકીનું સામ્રાજય છવાયું હોવાનું જણાવી કંઈક આ રીતે પોતાનો બળાપો વ્યકત કર્યો હતો.