Patan News : પાટણમાં રહેતી પ્રેમિકાનાં અનુરોધ પર તેના ઘરે પૈસા અને કરિયાણું આપવા માટે ગયેલા પ્રેમી ઉપર પ્રેમિકા સહિત તેનાં પરિવારનાં અન્ય બે સભ્યોએ છરીથી હુમલો કરી તેને ગડદાપાટુનો માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ મહેસાણા ખાતે રહેતા અને સાડીની દુકાન ચલાવતા તેમજ છૂટાછેડા લીધેલા મહેશગીરી ગોસ્વામી (ઉં.વ.32) પાટણમાં રહેતી મહિલા સાથે પ્રેમસંબંધ ધરાવે છે. મહેશગીરીને તા. 6 જૂને તેમની પાટણ ખાતે રહેતી પ્રેમિકાએ ફોન કરીને રૂ. 2000 અને તેલનો ડબ્બો તેમજ ઘરનું કરીયાણું આપી જવા કહેતાં મહેશગીરી પાટણમાં છીંડીયા દરવાજા વિસ્તારમાં રહેતી પ્રેમિકાનાં ઘરે ઉપરોક્ત ચીજો આપવા માટે આવ્યા હતા. તેમજ ત્યાં રોકાયા હતા. સાંજે મહેશગીરીની પ્રેમિકાએ પ્રેમી માટે ચિકન અને જમવાનું બનાવ્યું હતું. તેઓ જમવા બેઠા હતા ત્યારે પ્રેમિકાનાં ભાઇ મહેશભાઇ અને નવીનભાઇ પણ તેમની સાથે જમતા હતા. તેઓ જમતી વખતે વાતવાતમાં પ્રેમિકા મહિલાનાં ભાઇ મહેશ માટે રાજસ્થાનથી પત્ની લાવવા બાબતે મહેશગીરી સાથે બોલાચાલી થતાં મહેશભાઇએ ઉશ્કેરાઇને છરીથી મહેશગીરીને અંગુઠા અને હથેળીમાં મારી હતી. તથા નવીને ધોકાથી બરડામાં મારતાં ઇજા થઇ હતી.
આ પછી મહેશ અને તેની બહેન અને પ્રેમિકાએ પણ ધોકાથી મહેશગીરીને હુમલો કરીને માર માર્યો હતો. આ ઝપાઝપીમાં મહેશગીરીની ચાંદીની વીંટી પડી ગઇ હતી. તેમજ અહીં ભેગા થયેલા ટોળામાંથી કોઇએ 108 ને જાણ કરતાં તેને ધારપુર ખાતે લઇ ગયા હતા. આ બનાવ અંગે મહેશગીરી ગોસ્વામીએ ત્રણે સામે ફરીયાદ નોંધાવી હતી