Cyclone Biparjoy LIVE UPDATES ગુજરાતના માથે વાવાઝોડા બિપોરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડા પહેલા ગુજરાતના દરિયા કાંઠે ભારે અસર જોવા મળી છે. બીજી તરફ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વાવાઝોડાને પગલે 13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.
આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે અને તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે ગુજરાતના બે જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વાવાઝોડું વધારે નજીક આવી રહ્યું છે તેટલી જ ગંભીર અસરો તેની થઈ રહી છે. વાવાઝોડા અને ગુજરાત વચ્ચે હવે 300 કરતા પણ ઓછા કિલોમીટરનું અંતર બાકી રહ્યું છે. વાવાઝોડું 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારા માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ વાવાઝોડાને લઈને ગંભીર ચેતવણી આપી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારા પર બિપોરજોય વાવાઝોડાની અસરો દેખાવાની શરુ થઈ ગઈ છે, ક્યાં ઘરોમાં પાણી ઘૂસવાની ક્યાં દિવાલ તૂટવાની તો ક્યાં પ્રોટેક્ટિંગ વોલ તૂટી જવાની ઘટનાઓ બની છે. સૌથી ગંભીર સ્થિતિ સૌરાષ્ટ્રના પશ્ચિમ દરિયા કિનારા તથા કચ્છમાં વર્તાઈ રહી છે. વાવાઝોડું જે ભાગમાં અસર કરવાની સંભાવના છે ત્યાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા આજે સવારે આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતના દ્વારકા અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Cyclone Biparjoy Live Location
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે એટલે કે 13 જૂનના રોજ 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના કચ્છ, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં આજે ભારે વરસાદ વરસી શકે છે.
આવતીકાલે એટલે કે 14 જૂનના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આવતીકાલે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આવતીકાલે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તો રાજકોટ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.