હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સંલગ્ન સિધ્ધપુર ખાતેની ગોકુલ ઇન્ટીગ્રેટેડ લો કોલેજના ર૦૧૬ના વર્ષની પ્રથમ બેચના વિદ્યાર્થીઓ તેમના સેમેસ્ટર ૯ અને સેમ-૧૦ ની પરીક્ષાના પરિણામો ઝડપથી જાહેર કરવામાં આવે તેવી માગણી સાથે આજે પાટણ યુનિવર્સીટી ખાતે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા.
ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન ગોકુલ ઇન્ટીગ્રેટેડ લો કોલેજના બી.કોમ.- એલએલબીના અભ્યાસક્રમના ર૦૧૬ ની પ્રથમ બેચના વિદ્યાર્થીઓ દ્વારા તેમની છેલ્લા એક વર્ષથી યોજવામાં આવી રહેલી પરીક્ષાઓના રિઝલ્ટ જાહેર ન કરાતા તેમની શૈક્ષણિક કારકિર્દીને જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હોવાનું જણાવી આ અંગે કુલપતિને રજૂઆત કરવા આવ્યા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સીટીના કુલપતિ અને રજિસ્ટ્રારની અન ઉપસ્થિતમાં ડો.જગદીશ પ્રજાપતિને લેખિત રજૂઆત કરાઇ હતી તેમજ યુનિવર્સીટીના ઇસી મેમ્બર શૈલેષ પટેલને પણ રજૂઆત કરી હતી.
વિદ્યાર્થી દ્વારા લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે પાટણ યુનિવર્સીટી સંલગ્ન સિદ્ઘપુરમાં ચાલતી ગોકુલ ઇન્ટીગ્રેટેડ લો કોલેજમાં ચાલતા બીકોમએલએલબીના પાંચ વર્ષના અભ્યાસક્રમમાં તેમણે ર૦૧૬માં પ્રવેશ લીધો હતો. આ પાંચ વર્ષનો ઇન્ટીગ્રેટેડ કોર્સ એકમાત્ર ગોકુલ ઇન્ટીગ્રેટેડ લો કોલેજ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે.
આ તમામ વિદ્યાર્થીઓએ યુનિવર્સીટી દ્વારા યોજવામાં આવેલ નવમા સેમેસ્ટરની પરીક્ષા માર્ચ ર૦ર૧માં અને દસમા સેમેસ્ટરની પરીક્ષા જૂન ર૦ર૧ ના અંતમાં આપી હતી પરંતુ હજુ સુધી તેમની આ બંને સેમ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં નહીં આવતા તેમને આગળના અભ્યાસક્રમમાં પ્રવેશ લેવામાં તેમજ કારકિર્દીને બાબતે મુશ્કેલીઓ ઉભી થઈ શકે તેમ હોવાનું જણાવાયું હતું.
આ ઉપરાંત યુનિવર્સીટી દ્વારા સેમેસ્ટર ૭મા ફેલ થયેલા કેટલાક વિદ્યાર્થીઓ માટે ૧લી સપ્ટેમ્બરના રોજ પરીક્ષા યોજવાની જાહેરાત કરાઇ હતી પરંતુ તેનો કાર્યક્રમ જાહેર નહીં કરાતા નાપાસ થયેલા ત્રણ જેટલા વિદ્યાર્થીઓ આ સાતમા સેમેસ્ટરની પરીક્ષા આપી શકતા નથી.
યુનિવર્સીટી દ્વારા રપ ઓગસ્ટથી એલએલએમના અભ્યાસક્રમ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેમજ બાર કાઉન્સીલની પરીક્ષા માટેના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ પણ ૧પ સપ્ટેમ્બર હોઈ જો સમયસર સેમેસ્ટર ૯ અને ૧૦ નું પરિણામ જાહેર ન થાય તો તેમની કારકિર્દીનેને અસર થઇ શકે તેમ હોવાનું વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું અને સમગ્ર બાબતે નછૂટકે વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને જોખમમાં મૂકનારા યુનિવર્સીટીના લો વિભાગના એડમિનિસ્ટ્રેશન સ્ટાફ સામે અવાજ ઉઠાવવાની ફરજ પડી હોવાનું રજૂઆત માટે આવેલા વિદ્યાર્થીઓ પૈકી રાજેન્દ્ર એમ. બારોટે જણાવ્યું હતું.
આ અંગે યુનિવર્સીટીના ડો. જગદીશ પ્રજાપતિએ તેમજ કારોબારી સભ્ય શૈલેષ પટેલે આગામી ટૂંક દિવસોમાં પરિણામ જાહેર થાય તેવા પ્રયત્નો કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી.
આ અંગે પરિણામ તૈયાર કરવામાં યુનિવર્સીટી દ્વારા નક્કી કરવામાં આવેલ બોર્ડ દ્વારા એક્ઝામ સ્કીમ બનાવવાની બાકી હોવાનું જાણવા મળ્યું હતું જેથી બોર્ડને ઝડપથી ફોમ્યુલા જમા કરાવવા તાકીદ કરાઈ હોવાનું પણ યુનિવર્સીટીના આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.