બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ગઢ મડાણા ગામે રહેતા ચાર મિત્રો શુક્રવારના રોજ પાટણના (Patan) સ્ક્રીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે સારવાર માટે પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હતા. પરંતુ ડોક્ટર સાંજે 5:00 વાગે આવવાનું કહેતા ચારેય મિત્રો પાટણની ઐતિહાસિક રાણકી વાવ (Rani Ki Vav)જોવા માટે બપોરના સુમારે ગયા હતા.
ત્યારે બપોરના સુમારે અચાનક વાતાવરણમાં બદલાવ આવતા વીજળી ના કડાકા અને ભડાકા થતા ચારે મિત્રો પૈકીના બે મિત્રો રાણકી વાવ સ્થિત લીમડાના ઝાડના ઓથ હેઠળ ઉભા હતા તે દરમિયાન અચાનક કડાકા સાથે વીજળી લીમડાના ઝાડ નીચે ઉભેલા બંને મિત્રો ઉપર પડતા એક મિત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મિત્રને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે 108 ની મદદ વડે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે મૃતક ઇશમને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો હોય બનાવની જાણ મૃતકના પરિવારજનો સહિત ઇજાગ્રસ્તના પરિવારજનોને થતા તેઓ પણ તાત્કાલિક પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈસમ ની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. વીજળી પડવાથી મૃત્યુ પામેલા ઈસમ નું નામ સંદીપ જગદીશભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ઈસમ નું નામ મેવાડા રોહિત બંસીલાલ હોવાનું જાણવા મળ્યું છે. તો કુદરતી આફતમાં આબાદ બચાવ થયેલા અન્ય બે મિત્રોમાં પ્રજાપતિ ગૌરવ જયેશભાઈ અને પરમાર ધવલ રહે. ચારેય ગઢ મડાણા વાળા હોવાનું જાણવા મળ્યું છે.
પાટણની ઐતિહાસિક રાણકી વાવ ખાતે વીજળી પડવાની ઘટનામાં એક પર્યટકના મૃત્યુને લઈ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તો સિવિલ હોસ્પિટલ ખાતે પણ મૃતકના પરિવારજનો સહિતના સગા સંબંધીઓ આવી પહોંચતા વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ કુદરતી અકસ્માત ની જાણ પાટણ પોલીસને થતા પોલીસે પણ સિવિલ હોસ્પિટલ ખાતે આવી આગળની તજવી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક સંદીપ પ્રજાપતિ ની સગાઈ કરેલ હોવાનું જયારે ઈજાગ્રસ્ત મેવાડા રોહિત પરણીત હોવાનું જાણવા મળ્યું છે.