પાટણ શહેરના વોર્ડ નં.૧૦માં આવતાં ખાલકપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાતાં સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે આ ઉભરાતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ લાવવા પાટણ નગરપાલિકા દ્વારા ૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી કાલીબજાર રાવળવાસથી ખાલકપુરાના છેડા સુધી ભૂગર્ભ ગટર લાઈનનું કામ ગત બોડીમાં મંજૂર કરાયું હતું. ત્યારે તાજેતરમાં જ ભૂગર્ભ સમિતિના ચેરમેનના હસ્તે આ કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આ ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાંખવાનું કામકાજ શરુ કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ ખાલકપુરા જોગણી માતાના મંદિર પાસે ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાંખવા ઉંડો ખાડો ખોદીને મજૂરો કામ કરી રહયા હતા ત્યારે અચાનક જ ભેખડ ઘસતાં એક મજૂર દટાઈ જવા પામ્યો હતો.
પરંતુ સદનસીબે તેમની સાથે કામ કરતાં અન્ય મજૂરો દ્વારા તેને તુરંત બહાર કાઢી દેવામાં આવતાં સદનસીબે તેઓ આબાદ બચાવ થયો હતો અને સ્થાનિક રહીશો સહિત ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટર અને કામ કરી રહેલા મજૂરોએ રાહત અનુભવી હતી.
આમ, કોન્ટ્રાકટર દ્વારા કામ કરી રહેલા મજૂરોને યોગ્ય સાધનોની સવલત ન અપાતાં પણ કેટલીક વાર આવા બનાવો બનતાં મોતના મુખમાં ધકેલાતા હોય છે
ત્યારે આવા મજૂરીવર્ગના મજૂરોને પણ યોગ્ય સાધન-સામગ્રી કોન્ટ્રાકટરો દ્વારા પૂરી પાડવામાં આવે જેથી તેઓ ઓચિંતા બનેલા આવા બનાવોનો ભોગ ન બને તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.