પાટણ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીનો સુવિધાલક્ષી પ્રયોગ જિલ્લાના વિવિધ સ્થળોએ કેમ્પ યોજી સ્થળ પર જ હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફીટ કરવામાં આવશે
શહેરી વિસ્તારમાં સોસાયટીઓના પ્રમુખ તથા ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ દ્વારા અરજી કર્યેથી કરવામાં આવશે નંબર પ્લેટ ફિટમેન્ટ કેમ્પનું આયોજન.
પાટણની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નાગરીકોની સુવિધા માટે નવતર પ્રયોગ હાથ
ધરવામાં આવ્યો છે. વાહનોમાં ફીટ કરવામાં આવતી હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવાની બાકી હોય તેવા જુના વાહનો માટે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરશે.
વાહનોની નંબર પ્લેટમાં એકસુત્રતા જળવાય તથા ગુનાખોરીને ડામવા સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ તમામ વાહનોમાં હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર
દ્વારા સમયાંતરે તેની મુદતમાં વધારો કરવામાં આવતાં પાટણ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નાગરીકોની સુવિધા માટે સરળતાથી એસ.એચ.આર.પી ઉપલબ્ધ બની રહે તે માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવા કેમ્પનું આયોજન કરવા માટે શહેરી વિસ્તારોમાં સોસાયટીઓ વતી તેમના પ્રમુખ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ કે આગેવાનો દ્વારા પાટણ એ.આર.ટી.ઓ કચેરી ખાતે આગામી ૧૧ ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે. જે મુજબ વિવિધ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરી સ્થળ પર જ નંબર પ્લેટ ફિટમેન્ટ કરી આપવામાં આવશે. પોતાના વિસ્તારના નંબર પ્લેટ ફીટ કરવા બાકી રહી ગયેલા નાગરીકો તેમના વાહનોમાં હાઈ સિક્યોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ ફીટ કરાવી શકે તે માટે સામૂહિક ફિટમેન્ટ કેમ્પના આયોજન માટે એ.આર.ટી.ઓ., પાટણ ખાતે સમયમર્યાદામાં અરજી કરી મોટા પ્રમાણમાં લાભ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી જે.એસ.ઝાલા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.