આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાના સમી તાલુકાના કોડધા અભયારણ્ય ખાતે સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમ અને સાહસિક તાલીમ શિબિર યોજાઈ હતી.
જેમાં ૧૪ ઓક્ટોબર નીલકંઠ મહાદેવ – કુવડ અને ૧પ ઓક્ટોબરના રોજ રાફુ ઉત્તર બુનિયાદી શાળા ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું. ૧૬ ઓક્ટોબર,ર૦ર૧ના રોજ કોડધા અભયારણ્ય ખાતે સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમ હાથ ધરીને સફાઈ કરવામાં આવી હતી.
જેમાં અભયારણ્યની ઝાડીનું કટિંગ અને અભયારણ્ય વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં રમતગમત કચેરી તથા વનવિભાગના અધિકારીઓ તથા ૪૦ યુવકો જોડાયા હતા. જેમના દ્વારા રસ્તા ઉપર તથા ડેમ સાઈટની ઝાડી કટિંગ કરી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.
તેમજ કોડધા ધુડખર અભયારણ્ય વિસ્તારની કેમ્પસની અંદર અને બહારની સફાઈ તથા પ્લાસ્ટિક એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ૧૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું.
વન વિભાગ અને જીલ્લા રમતગમતની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત કાર્યક્રમના નોડલ અધિકારી તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી વીરેન્દ્ર પટેલ, વનવિભાગના ફોરેસ્ટ ઓફિસરશ્રી વિજયસિંહ અને શ્રી એચ.કે.નાઈ તથા સાહસિક શિબિરના તજજ્ઞ તરીકે હરેશભાઈ ચાવડા તથા લાલસિંહ ઠાકોર જોડાયા હતા.