હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના છાત્રોને છેલ્લા દોઢ વર્ષથી પૌસા ભર્યા બાદ પણ ટેબલેટ ન મળતા બુધવારે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ટેબલેટ આપવા અથવા વ્યાજ સાથે છાત્રોના પૌસા પાછા આપવા કુલપતિ ચેંબર બહાર પ્રતીક ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સીટી દ્વારા સંલગ્ન કોલેજોમાં નમો ટેબલેટ યોજના અંતર્ગત એક હજાર રૂપિયામાં છાત્રોને ટેબલેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ગત વર્ષે ર૦૧૯-ર૦માં છાત્રો પાસેથી એક એક હજાર રૂપિયા ટેબલેટ માટે લીધા બાદ દોઢ વર્ષથી છાત્રોને ટેબલેટ આપવામાં ન આવતા ગત સોમવારે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ છાત્રો સાથે મળી વહીવટી ભવન આગળ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન બાદ એક સપ્તાહમાં યોગ્ય કાર્યવાહીની માંગ સાથે કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બુધવારે ફરી સમિતિ દ્વારા આ બાબતે યુનિવર્સીટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે જવાબ આપવા માટે આવ્યા હતા પરંતુ કુલપતિ હાજર ના હોય ચેમ્બરની બહાર વિરોધ પ્રદર્શન કરી સત્વરે વિધાર્થીઓને ટેબ્લેટ આપવા અથવા તેમના પૌસા પરત આપવા માટે ની માંગ સાથે પ્રતીક ધરણા કરવામાં આવ્યા હતા.