સરસ્વતી તાલુકાના કોટાવડ ગામમાં કુદરતી હાજતે ગયેલા ઠાકોર ઈસમ ઉપર મંગળવારના રોજ વહેલી સવારે ભુંડ દ્વારા હુમલો કરાતા ગંભીર રીતે ધવાયેલા ઠાકોર ઈસમનું સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું તો આ બનાવની ગ્રામજનો ને જાણ થતાં ફફડાટ સાથે ભય વ્યાપી જવા પામ્યો હતો તો આ ધટનાની જાણ ગામના સરપંચ દ્વારા સરસ્વતી પોલીસને કરાતા પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી લાશનું પંચનામુ કરી પીએમ અર્થ પાટણ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી હકીકત મુજબ સરસ્વતી તાલુકાના કોટાવડ ગામનાં ચાર સંતાનો નાં પિતા ઠાકોર વીરસગજી મગનજી નિત્યક્રમ મુજબ તળાવની પાસે આવેલ ઝાડીઓમાં મંગળવારની વહેલી સવારે કુદરતી હાજતે ગયેલ તે દરમિયાન જંગલી ભુંડ દ્વારા તેઓના ઉપર અચાનક હિચકારો હુમલો કરવામાં આવતા તેઓએ બૂમાબૂમ કરતા તેઓ ને બચાવવા ગામ માંથી લોકો દોડી આવેલ અને ભૂંડને ભગાડવા પ્રયત્ન કરેલ પરંતુ તે પહેલા ઠાકોર ઈસમને ભૂડે ગંભીર રીતે ઘણી બધી ઇજાઓ પહોંચાડી હતી.
જોકે લોકોનાં ટોળાને જોઈ ભૂંડ ઝાડીઓમાં ભાગી છુટયુ હતું તો આ બાબતની જાણ ગામના સરપંચ રમેશભાઇ મંગળભાઈ પટેલને થતાં તેઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ભૂંડના હુમલાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ઠાકોર ઈસમને તાત્કાલિક સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે તે પહેલા તેઓનું રસ્તામાં જ મૃત્યુ થતાં સરપંચ દ્વારા સરસ્વતી પોલીસને જાણ કરાતા પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી પંચનામુ કરી લાશને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સરસ્વતી તાલુકાના કોટાવડ ગામનાં ઠાકોર ઈસમ ઉપર ભૂંડના આવા જીવલેણ હુમલાથી આખા ગામમાં ભયનો માહોલ છવાયો હોય અને શોકનું વાતાવરણ છવાતા ગામના સરપંચ રમેશભાઈ પટેલ દ્વારા આવા રખડતા જંગલી અને ઘાતકી પ્રાણીઓને પકડીને ઉજ્જડ વિસ્તારમાં મૂકી આવવા વન વિભાગને લેખિતમાં રજૂઆત કરાઈ હોવાની સાથે સરકાર દ્વારા પણ આવા બિન જરૂરી જનાવરો ને તાત્કાલિક ધોરણે પકડી જંગલોમાં છોડી આવવા અપીલ કરી છે સાથે સાથે ગામમાં બનેલી ધટના નાં પગલે ગ્રામજનો સહિત ખેતરોમાં વસવાટ કરતા પરિવારોને પણ સચેત રહેવા સુચિત કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતુ.