રાજય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની ૬૦ વર્ષની ઉંમર થતાં તેઓને નિવૃત્ત કરતા હોય છે કેમકે ૬૦ વર્ષ પછી કોઈપણ સરકારી કર્મચારીની શારીરિક ક્ષમતા ખૂબજ ઓછી થઈ જતી હોવાથી તેઓ પોતાના કામકાજને સારી રીતે નિભાવી શકતા ન હોવાને લીધે તેઓને વયમર્યાદાને લઈ નિવૃત્ત કરતા હોય છે ત્યારે પાટણ નગરપાલિકામાં કેટલાક નિવૃત્ત કર્મચારીઓ થઈ ગયા બાદ પણ પાલિકા દ્વારા તેઓને ફરીથી ફરજ પર રાખ્યા હોવાનું જોવા મળી રહયું છે.
ત્યારે પાટણ નગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન પટેલ અંબાલાલ નાગરદાસ દ્વારા પાટણ નગરપાલિકામાં રિટાયર્ડ થયેલ કેટલાક કર્મચારી આજે નોકરી કરે છે અને કેટલાય સમયથી નોકરી કરી રહયા છે તેનો પાલિકા દ્વારા હૂકમ થયો હોય તો તેની નકલ માંગવા આરટીઆઈ કરાતાં પાલિકામાં નોકરી કરી રહેલા કેટલાક કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
તો કેટલાક કર્મચારીઓ પાલિકામાંથી નિવૃત્ત થયા બાદ પણ આજે તેઓ ૭૦ વર્ષની ઉંમર વટાવી ચૂકયા હોવા છતાં પણ પાલિકાની મોહમાયા છુટતી ન હોવાથી પાલિકાના કેટલાક વિભાગોનું કામ બગડી રહયું હોવાનું પણ જોવા મળી રહયું છે.
આમ, પાલિકા દ્વારા રીટાયર્ડ થયેલ કર્મચારીઓની જગ્યાએ સરકારમાં દરખાસ્ત કરીને નવીન ભરતી કરવામાં આવે તો પાલિકાના હિતની સાથે પાલિકાની સુંદર કામગીરીની બજવણી થાય તેવું પણ ચર્ચાઈ રહયું છે.