પાટણ જિલ્લામાં છ માસ બાદ સિદ્ઘપુરમાં દંપતીના બે નવા કોરોનાના કેસ સાથે કોરોનાની રિએન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. મંગળવારે પોલીસ દ્વારા શહેરમાં લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે કલેક્ટર કચેરી રોડ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. માસ્ક વગર ફરતા વાહન ચાલકોને રોકી માસ્ક ન પહેરવા મામલે દંડ ફટકારવાનું શરૂ કરાયું હતું. અનેક લોકો પકડાયા હતા. જે પૈકી ચાર જેટલા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અન્ય વાહન ચાલકોને કડક સૂચનાઓ આપી જવા દેવાયા હતા. અચાનક પોલીસ રોડ પર પસાર થતા વાહન ચાલકોને દંડ ફટકારતા ચાલકોમાં પોલીસ સામે છૂપો આક્રોશ જોવા મળ્યો હતો.
તો આજરોજ પોલીસ દ્વારા પાટણ શહેરમાં ફરતા ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સહિત ઓનલાઈન મેમાથી બચવા કેટલાક વાહન ચાલકો નંબર પ્લેટને વાળી નાંખી હોય કે તેની ઉપર કાગળ ચોંટાડયા હોય તેઓની સામે લાલ આંખ કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો કેટલાક ૧૮ વર્ષથી નીચેના વાહન ચાલકોને પકડીને પણ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.