- પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત નિવાસી અધિક કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી વિવિધ મહેસુલી કામગીરી અંગે સમીક્ષા કરી
અરવલ્લી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડની બદલી થતાં પાટણ જિલ્લા સેવા સદન ખાતે સત્તાવાર પદભાર સંભાળ્યો હતો. ગત તા.૨૯ ડિસેમ્બરના રોજ પાટણ નિવાસી અધિક કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ રાઠોડે કલેક્ટર કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અધિકારીઓને જરૂરી માર્ગદર્શન બાદ નવનિયુક્ત નિવાસી અધિક કલેક્ટરએ જિલ્લા કલેક્ટરની નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિકાસકાર્યોને વધુ વેગવંતા બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
વર્ષ ૨૦૦૫માં ગુજરાત વહિવટી સેવા સંવર્ગ સેવાઓમાં નિમણૂંક બાદ મોરબીના વતની પ્રદીપસિંહ રાઠોડ ગાંધીનગર મ્યુનિસિપલ નાયબ કમિશ્નર, મહેસાણા જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કલોલ પ્રાંત અધિકારી, જુનાગઢ ખાતે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, ગીર સોમનાથ ખાતે જિલ્લા પુરવઠા અધિકારી તથા સોમનાથ-વેરાવળ પ્રાંત અધિકારી, મહેસાણા ખાતે અધિક નિવાસી કલેક્ટર તથા અરવલ્લી ખાતે અધિક નિવાસી કલેક્ટર તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે.
પાટણ જિલ્લામાં નિવાસી અધિક કલેક્ટર તરીકે નિયુક્તિ થવા સાથે જ જિલ્લા સેવા સદનના અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જમીન, કાયદો અને વ્યવસ્થા, સી.એમ. ડેશબોર્ડ, આર.એફ.એમ.એસ., આઈ.ઓરા તથા ઓનલાઈન મહેસુલી કામગીરીની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓના સુચારૂ અમલીકરણ અને નાગરિકોની મુશ્કેલીઓના ઝડપી નિરાકરણ માટે સબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને સુચના આપી હતી.
નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડે પ્રજાને સીધી સ્પર્શતી પુરવઠા, ઈ-ધરા, જનસેવા કેન્દ્રો સહિતની અગત્યની સેવાઓની કામગીરી અંગે વિગતો મેળવી આ કામગીરીને વધુ ગતિશીલ અને સુલભ બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે વરિષ્ઠ નાગરિકોને મળતી વૃદ્ધ સહાય, ગંગાસ્વરૂપા મહિલાઓને મળતી સહાય અને દિવ્યાંગો માટેની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લક્ષીત જૂથ સુધી પહોંચે તે માટે સંવેદનશીલ અભિગમ અપનાવવા અપીલ કરી હતી.