- નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના વિવિધ ચુકાદાઓ અન્વયે જરૂરી કાર્યવાહી કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું
- જાહેર જનતાના હિતમાં ચાઈનીઝ દોરાથી માનવ તથા પશુઓને થતી પ્રાણઘાતક ઈજાઓ અને ચાઈનીઝ તુક્કલથી આગ લાગવાના બનાવો રોકવા લગાવાયો પ્રતિબંધ
આગામી તા.૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવનાર છે ત્યારે પતંગ ચગાવવા ઉપયોગમાં લેવાતા ચાઈનીઝ દોરા તથા પ્લાસ્ટીક દોરી કે જેનાથી પર્યાવરણને નુકશાન ઉપરાંત માનવજીવન અને પશુ-પક્ષીઓના જીવ માટે ખતરારૂપ છે. સાથે જ સ્કાય લેન્ટર્ન્સના કારણે આગ લાગવાના બનાવો પણ બનતા હોય છે. જેના ખરીદી, સંગ્રહ અને વેચાણ પર પાટણ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રદીપસિંહ રાઠોડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રદીપસિંહ રાઠોડ દ્વારા સમગ્ર પાટણ જિલ્લાના વિસ્તારમાં તા.૦૫.૦૧.૨૦૨૨થી તા.૧૮.૦૧.૨૦૨૨ (બંને દિવસો સુદ્ધાંત) સિન્થેટીક માંજા, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટીક દોરી અને તેના જેવી સિન્થેટીક દોરીની આયાત, પરિવહન, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કરવા કે કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિન્થેટીક માંઝા, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટીક દોરી અને તેના જેવી સિન્થેટીક દોરીનો જથ્થાબંધ કે છૂટક વેપાર કરવા કે કરાવવા તથા તેની ખરીદી કે વેચાણ કરાવા અને કરાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ ટુક્કલ)ની આયાત, પરિવહન, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કરવા કે કરાવવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ દિવસોમાં સવારના ૦૬.૦૦ થી ૦૮.૦૦ તથા સાંજના ૦૫.૦૦ થી ૦૭.૦૦ કલાક દરમિયાન પક્ષીઓની સક્રિયતાના સમયમાં પક્ષીઓની ઈજા થતી નિવારવા આ સમયમાં પતંગ નહીં ઉડાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરિયાદ નોંધવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના તહેવારમાં પતંગ રસિકો પતંગ ચગાવવા ચાઈનીઝ દોરા ઉપયોગમાં લે છે, જેની બનાવટથી ઘણીવાર માનવજીવન અને પક્ષીઓને પ્રાણઘાતક ઈજા થાય છે તથા તે પર્યાવરણ માટે ખતરારૂપ છે. સાથે જ ચાઈનીઝ દોરા અને પતંગો કુદરતી રીતે નાશ ન પામતી હોઈ ગટરો અને ડ્રેનેજ જામ થાય છે. ગાય તથા અન્ય પ્રાણીઓના ખોરાક સાથે પેટમાં જવાથી આફરો અને ગભરામણના કારણે પશુના મૃત્યુ થાય છે. તદઉપરાંત વીજલાઈન અને સબ સ્ટેશનમાં આ દોરી અને પતંગ ભરાવવાના કારણે ફોલ્ટ થાય છે.
વધુમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરાયણ તથા અન્ય તહેવારોમાં સ્કાય લેન્ટર્ન ઉડાવવાની પ્રથા શરૂ થઈ છે. સસ્તા કાગળ અને સસ્તા મીણથી બનતા આવા સ્કાય લેન્ટર્ન કોઈ વસ્તુ સાથે અથડાય છે ત્યારે આગ લાગવાના બનાવો બનતા હોય છે. જેથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ નવી દિલ્હી દ્વારા વિવિધ કેસમાં આપવામાં આવેલા ચુકાદા અન્વયે જરૂરી કાર્યવાહી કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.