યુવતી ડેન્ટલ ડોકટર: જેના સામે પિતાએ ભાઇ અને ભત્રીજીની હત્યાનો આક્ષેપ કર્યો છે તે કિન્નરી બીડીએસ ડેન્ટલ સુધીનો અભ્યાસ કરેલો છે અને બે વર્ષ અગાઉ સ્ટર્લિંગમાં નોકરી કરતી હતી. જે અપરિણીત છે અને તેણે આવું કૃત્ય શા માટે કર્યું તેમજ તેનો જીવ કેવી રીતે ચાલ્યો તેવો સવાલ ચર્ચાઇ રહ્યો છે.
ભાઈ ભત્રીજી હત્યાકેસમાં સંડોવાયેલી ડેન્ટિસ્ટ કિન્નરી નરેન્દ્રભાઈ પટેલના સાત દિવસના રિમાન્ડ પૂરા થતાં ગુરુવારે કોર્ટમાં રજૂ કરાયા બાદ એને સુજનીપુર ખાતેની સબજેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી હતી. દરમિયાન પોલીસ તપાસ દરમિયાન બેબાક જણાયેલી કિન્નરી પટેલે કોર્ટમાં સી.આર.પી.સી.કલમ ૧૬૪ મુજબનું નિવેદન આપવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. જ્યારે ટ્રાયલ કેસ ચલાવવાની સત્તા સેશન્સ કોર્ટને હોવાથી તેની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.
આરોપી કિન્નરી પટેલને સાંજે પાંચ વાગ્યે પાટણના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ટી. જે. પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી ,જોકે પોલીસે એની તપાસ પૂરી થઈ હોવાથી વધારે રિમાન્ડ માંગ્યા ન હતા. લીગલ સેલમાંથી એડવોકેટ કે.એમ.પરમાર કિન્નરી વતી હાજર હતા.
પોલીસે ભાઈ અને ભત્રીજીની હત્યાના આરોપ અંગે કિન્નરીનું કોર્ટમાં કલમ ૧૬૪ મુજબનું નિવેદન લેવા માટે અરજી આપી હતી જે અંગે જજે કિન્નરી પટેલને તમે નિવેદન આપવા માટે સ્વેચ્છાએ તૈયાર છો. કેમકે તમને કોઈ ફોર્સ ન કરી શકે તેવું પૂછ્યું હતું જેમાં કિન્નરીએ થોડુંક વિચારીને નકારમાં માથું હલાવી નિવેદન આપવાની ના કહી હતી. તેની અનિચ્છા પછી અદાલતે નિવેદન માટેની અરજી રદ કરી હતી. જ્યારે તેણીએ તેના વકીલ મારફતે જામીન અરજી મૂકી હતી જે સેશન્સ કોર્ટની હકૂમતમાં હોવાથી ચીફ કોર્ટે નામંજૂર કરી હતી તેમ સરકારી વકીલ ડી.જે. ઠાકોરે કહ્યું હતું.
કિન્નરીને કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટ દ્વારા પરિવાર વતી કોઈ હાજર છે કે કેમ એવું પૂછતા પિતરાઇ ભાઇ ઉભો થયો હતો. તેને તમે કિન્નરી માટે કોઈ વકીલ કર્યો છે કે કેમ એવું પૂછતા તેણે ના કહી હતી. આ સમયે તેના બનેવી ડો. અશ્વિન પટેલ પણ કોર્ટરૂમમાં હાજર હતા. વકીલ રોક્યા ન હોવાનું કહેતાં કિન્નરી વ્યગ્ર નજરે વારંવાર તેમની સામે જોયા કરતી હતી. તેના વકીલ તેને કાગળમાં કઈક વાંચી સંભળાવતા હતા ત્યારે તે નિરાશ હતી.
પોલીસે જણાવ્યા મુજબ રીમાન્ડ દરમિયાન કિન્નરી પટેલ તેને પરિવારમાં ટોર્ચર ,અપમાન, હેરાનગતિ, માનસિક ત્રાસ મળવો જેવા કારણ જણાવ્યા છે. તેના ભાઈ -ભાભી નાની નાની વાતમાં તું આવી છે તેવી છે તેમ કહીને ટોકતા હતા. ઘરમાં વારંવાર અપમાન થતું અને સન્માન ન મળતું તેવી હકીકત જણાવી છે. હવે પછી કોલ ડીટેઇલ સહિતના ટેકનિકલ મુદ્દાઓની તપાસ કરાશે તેઓ પોલીસે જણાવ્યું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.