કોવિડના ઓમિક્રોન વેરિયન્ટથી બચવા તકેદારીના ભાગરૂપે કોવિડ ગાઈડલાઈન તથા કલેક્ટરના જાહેરનામાની કડક અમલવારીની સુચના આપતા મદદનીશ કલેક્ટરશ્રી
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ફરજીયાત પણે અમલ થાય તે માટે મદદનીશ કલેક્ટર સચિનકુમાર દ્વારા બેઠક યોજવામાં આવી. મદદનીશ કલેક્ટરશ્રીની સુચના અનુસાર એક સપ્તાહ સુધી જનજાગૃતિ બાદ પણ માસ્કનો ફરજીયાત ઉપયોગ ન કરનાર સામે આગામી સપ્તાહથી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વિશ્વના વિવિધ દેશોમાં નોવેલ કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઓમિક્રોન વાયરસ સંદર્ભે રાજ્યના આરોગ્ય વિભાગે સંપૂર્ણ તકેદારી સાથે કામગીરી આરંભી દીધી છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે જરૂરી છે ત્યારે પાટણ પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર સચિનકુમાર દ્વારા મામલતદાર, નગરપાલિકા ચીફ ઑફિસર તથા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કોવિડ ગાઈડલાઈન તથા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાની ચુસ્ત અમલવારી માટે તાકીદ કરી હતી.
મદદનીશ કલેક્ટરશ્રીની સુચના અનુસાર આ સપ્તાહમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માસ્કના ફરજીયાત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જાગૃતિ કેળવવામાં આવશે. આવતા સપ્તાહથી પોલીસ વિભાગ તથા નગરપાલિકા દ્વારા ડ્રાઈવ યોજી માસ્ક ન પહેરવા બદલના દંડ વસુલ કરવામાં આવશે.