રાજસ્થાન(Rajasthan)થી મુંબઈ(Mumbai) જઈ રહેલી મહિલા ટ્રેનમાં મીઠી નિંદર માણી રહી હતી ત્યારે અમદાવાદ(Ahmedabad) રેલવે સ્ટેશન પર કોઈ તકનો લાભ લઇ સોનાના દાગીના, રોકડ રકમ સહિત જરૂરી ડોક્યુમેન્ટ ભરેલા ર.૪૦ લાખના પર્સની ચોરી કરીને ફરાર થઇ ગયું હતું. આ અંગે અમદાવાદ રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેનમાં નિંદર માણી રહેલી મહિલાનું ર.૪૦ લાખ ભરેલું પર્સ ચોરાયું
મુંબઈ રહેતાં યાબુદેવી પુરોહિતે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. યાબુદેવી મુંબઈથી ટ્રેનમાં બેસીને તેમના વતન મારવાડમાં પ્રસંગ હોવાથી જઈ રહ્યાં હતાં. આ દરમિયાન તેમની બાજુમાં પર્સ રાખીને તેઓ સીટમાં સૂઈ રહ્યાં હતાં. ત્યારબાદ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને(Railway Station) ટ્રેન આવતાં ખબર પડી કે તેમના પર્સની ચોરી થઇ છે. યાબુદેવીએ અમદાવાદ રેલવે સ્ટેશને લખાવેલી ફરિયાદમાં ટ્રેનમાં એટેન્ડેન્ડ સુરેશ નામની વ્યક્તિએ પર્સની ચોરી કરી હોવાની શંકા સેવાઇ રહી છે. યાબુદેવીના પર્સમાં રહેલા પ૦ હજારની રોકડ રકમ તેમજ બે મોબાઈલ તથા બે સોનાની વીંટી અને જરૂરી ડોક્યુમેન્ટ સહિત કુલ ર.૪૦ લાખની ચોરી થઇ હતી.
અમદાવાદ રેલવે સ્ટેશન પર બની ચેતવનારી ઘટના
અમદાવાદ રેલવે પોલીસે યાબુદેવીની ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગાંધીધામથી સુરત ટ્રેનના રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતી મહિલા મીઠી નિંદર માણી રહી હતી ત્યારે કોઈ તકનો લાભ લઇ આઈફોન, રોકડ રકમ સહિત જરૂરી ડોક્યુમેન્ટ ભરેલા પર્સની ચોરી કરીને ફરાર થઇ ગયું હતું.