સાંતલપુરના છ ગામમાં નર્મદા કેનાલના અભાવે સિંચાઈના પાણી માટે વર્ષોથી હાલાકી ભોગવતા ખેડૂતો દ્વારા વારાહી મામલતદાર કચેરી તેમજ રાધનપુર નર્મદા કચેરીમાં સૂત્રોચ્ચાર કરી સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચુંટણીનો બહિષ્કારની ચીમકી આપતાં શનિવારે ધારાસભ્યએ ખેડૂતો સાથે બેઠક યોજી હતી.
સાંતલપુર તાલુકાના ધોકાવાડા, બરારા, ચારણકા, જાખોત્રા, એવાલ, અને આલુવાસ ગામમાં નર્મદા કેનાલના અભાવે ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આવેલી જમીન એકદમ ફળદ્રુપ હોવા છતાં પાણીના અભાવે ખેડૂતો જરૂરિયાત મુજબની ખેતી કરી શકતા નથી.
માત્ર ચોમાસાના વરસાદ પર નિર્ભર રહે છે. તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટર કેનાલ બનાવી વિસ્તારને સિંચાઇનું પાણી આપવા ૬ ગામના ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી છે.
આ મામલે બરારીયા હનુમાનજી મંદિર ખાતે ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ છ ગામના ખેડૂતો સાથે બેઠક યોજી આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા વિસ્તારમાં સિંચાઈ માટે પાણી મળેે તેવા તમામ પ્રયત્નો કરીશ અને સરકાર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં નહી આવે તો તમારી સાથે રહીને આંદોલન કરવાની ખાતરી ખેડૂતોને આપી હતી.