Rajkot : વેરાવળમાં સેવાભાવી અને નામના ધરાવતા લોહાણા સમાજના તબીબ અતુલ ચગે (Dr Atul Chag Suicide) 12મી ફેબ્રુઆરીના રોજ તેમની હોસ્પિટલના ઉપરના માળે આવેલા મકાનમાં જ પંખે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. જેમણે બે લીટીની સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં જૂનાગઢના સાંસદ અને તેમના પિતાના કારણે જીવન ટુંકાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં આજે સાંસદ રાજેશ ચુડાસમાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
સાંસદે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમારે પારિવારિક સંબંધો હતા. ડોક્ટર અતુલ ચગ જ્યારે પરિવારથી દૂર હતા ત્યારે મારો પરિવાર ટિફિન મોકલતો હતો. મારા પર જે આક્ષેપો થયા છે તે અંગે મારે શું કહેવું? પોલીસને જ્યાં મારી જરૂર પડશે ત્યાં હું સહકાર આપીશ. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે.
આ મામલે સાંસદ રાજેશ ચુડાસમાએ (Rajesh Chudasama) વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ડો. ચગે આત્મહત્યા કર્યા બાદ તેમના પરિવાર પર આફત આવી છે. ભગવાન તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. ડો. ચગ સાથે અમારે 35 વર્ષથી પારિવારિક સબંધો હતા. હું જ્યારે રાજકારણમાં ન હતો ત્યારથી અમારા સબંધો હતા. અને 15 થી 17 વર્ષ મારા પરિવાર દ્વારા તેમણે ટિફિન જતું હતું.
ત્યારે એમના પુત્ર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ માટે જ્યાં જરુર પડે ત્યાં સહકાર આપવા તૈયાર છું અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
રિપોર્ટર : પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના