પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે એવા સમયે જિલ્લાના ગામો કોરોનામુક્ત બને એ માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે પાટણ જિલ્લાની વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સરસ્વતી તાલુકાના વાગડોદ અને સિદ્ધપુર તાલુકાના કાકોશી સામૂહિક કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે સીએચસી ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે તેમની મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘મારું ગામ કોરોનામુક્ત’ ગામ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના ગામો કોરોનામુક્ત બને એ માટે વહીવટીતંત્ર, ચૂંટાયેલ સ્થાનિક પ્રતિનિધિઓ, ગ્રામજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સાથે મળીને પ્રયાસો કરવાના છે. ગામમાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ મળી આવે તો એમને હોમ આઈશોલેશનમાં કે ઘરમાં અન્ય વ્યક્તિને ચેપ ન લાગે એ બાબત ધ્યાને રાખીને કોવિડ કેર સેન્ટરમાં સારવાર લે એ માટે ગ્રામજનોને સમજૂતી આપવા સૂચન કર્યું હતું.
ગામોમાં સરવે માટે આવતી આરોગ્ય વિભાગની ટીમને ગ્રામજનો પુરો સહકાર આપે એ માટે સૌને અપીલ કરી હતી. મંત્રીશ્રીએ સીએચસી પર દવાઓ, ઓક્સિજન અને ઈન્જેકશનના ઉપલબ્ધ જથ્થાની માહિતી મેળવી હતી અને જરૂરિયાત અંગે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું કે કોરોનાની સારવારની સાથે પાટણ જિલ્લામાં રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે અને આગામી દિવસોમાં એને વધુ સઘન બનાવવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની જાગૃતિ માટે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે મળીને કામ કરે તો ગ્રામ્ય ક્ષેત્રોમાં સંક્રમણને ઝડપથી અટકાવી શકાશે. મંત્રીશ્રીએ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલ કોરોનાના દર્દીઓને મળીને એમની ખબર અંતર પૂછ્યા હતા.
મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓની તમામ સારવાર માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એ માટે પ્રયાસ કરી રહી છે. અત્યારના સમયમાં લોકોનું જીવન બચાવવું એ જ એકમાત્ર પ્રાથમિકતા છે. મંત્રીશ્રીએ પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧ કરોડ રૂપિયા પાટણ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે ફાળવણી કરી છે. તેઓએ કોરોના મહામારીમાં રાત-દિવસ કાર્ય કરતા ડૉકટર્સ, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની સેવાની સરાહના કરી હતી. મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની આ મુલાકાત દરમિયાન મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભરત જોશી, સિદ્ધપુર પ્રાંત અધિકારીશ્રી ડો. સુપ્રિયા ગાંગુલી, સંગઠનના પદાધિકારીશ્રી નંદાજી ઠાકોર તથા મોહનભાઈ પટેલ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.