સાંતલપુરના બામરોલી નજીક જમીનમાં સુરંગ ખોદી એચએમપીએલની મુન્દ્રા ભટીંડા પેટ્રોલિયમ પાઇપ લાઇનમાંથી ઓઇલ ચોરી કરવાના મામલાની તપાસમાં કુલ ૧૪ શખ્સોની સંડોવણી ખુલી છે, તે આઠ શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. તેમની પાસેથી ૪૦ હજાર લીટર ક્રૂડ ઓઇલનો જથ્થો, ચોરી કરેલા ઓઇલના વેચાણ કરી મેળવેલા રૂ. ૧.૭૦ લાખ, કાર અને બે ટેન્કર જપ્ત કર્યાં છે.
પોલીસે ઓઈલ ચોરી કૌભાંડનાં રાધનપુર અને બહુચરાજી ડેપોની સંડોવણી હોવાનું બહાર આવતાં બંને મળી અત્યાર સુધીમાં કુલ ૮ શખ્સોની અટકાયત કરી છે.આ ચોરીનું ઓઈલ સુરેન્દ્રનગરના વઢવાણ અને ભાવનગર લઈ જવાતું હોવાનું બહાર આવતાં કાર અને ટેન્કર કબજે લેવાયાં છે.ઓઇલ ચોરી કૌભાંડની જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પાટણ લોકલ ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી છે.
જેમાં ચોકાવનારી હકીકતો બહાર આવી છે કે બહુચરાજી એસટી ડેપોના ડ્રાઇવર ટાકોદીના અકબર અહેમદભાઈ સોલંકી અને રાધનપુર એસટી ડેપો ના ડ્રાઈવર બામરોલીના આમદ મહંમદખાન મલેક બંને મહેસાણા ખાતે વારંવાર ભેગા થતાં હોવાથી મિત્ર હતા. આઠેક મહિના અગાઉ અકબરે તેના મિત્ર આમદને વાત કરી હતી કે તમારી આજુબાજુ કોઈ ઓઈલની પાઇપ લાઇન પસાર થતી હોય અને કોઈ ઓળખીતાની જમીન હોય તો સંપર્ક કરાવજો.
જે વાતચીત આધારે એકાદ મહિના બાદ આમદ મલેકે તેના કાકા બામરોલીના રહેમતખાન સાહેબખાનના ખેતરમાંથી ઓઈલની બે પાઇપલાઇન પસાર થતી હોવાનું જણાવતાં અકબર અને તેના મિત્ર ટાકોદીના જાઉંલખાન અકબરભાઈ, જોટાણાનો અમરત શકરાભાઈ પટેલ ત્રણેય કાર લઈને બામરોલી બસ સ્ટેન્ડે ગયા હતા અને વાત કરતાં ઓઇલ ચોરી કરવા માટે રહેમતખાન તેમની સાથે સહમત થયો હતો. અને બામરોલી સીમમાં જમીન બતાવતા ત્રણેને પસંદ આવતા જમીન ભાડે રાખવાનું નક્કી કયું હતું. અને ઓઈલ ચોરી શરૂ કરી હતી.