પાટણ જિલ્લાને છેવાડે આવેલ રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલની હલકી ગુણવત્તાની કામગીરીને લઇને વારંવાર કેનાલમાં પડતા ગાબડા ને કારણે વિસ્તારના ખેડૂતો અને લોકો માટે અભિશ્રાપ બની જવા પામી છે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં કેનાલોમાં ગાબડાં પડવાને કારણે પારાવાર નુકસાની વેઠતા ખેડૂતોની હાલત દયનીય બની જવા પામી છે.નાની પીપળી ડિસ્ટ્રીબ્યુટર અનેે માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પડેલા ગાબડા ના સમાચાર ની સહી પણ સુકાઈ નથી ત્યાં ફરી એકવાર મઢુત્રા માઇનોર કેનાલમાં ૩૦ ફૂટનું ગાબડુ પડતા ખેતરો બેટમાં ફેરવાયા હતા.

સાંતલપુર તાલુકાની મઢુત્રા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં મંગળવાની સવારેે ૩૦ ફૂટનું ગાબડું પડતાં કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું હતુ. કેનાલમાં પડેલા ગાબડા બાબતે નિગમના અધિકારીઓને જાણ કરવા છતાં પણ કેનાલમાં પાણી બંધ કરવામાં નહીં આવતા કેનાલના ધસમસતા પાણી ખેતરોમાં ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા હતા. મઢુત્રા ગામના ખેડૂત કોળી વેલાભાઇ ખેતાભાઇ ના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતે કરેલ કપાસના વાવેતરને નુકસાન થવા પામ્યું હતું.

વારંવાર કેનાલો તૂટવાને કારણે નુકસાની ભોગવતા ખેડૂત વેલાભાઈએ જણાવ્યું હતું કે કેનાલની કામગીરી ગુણવત્તા વગરની હોવાને કારણે એક વર્ષમાં પાંચમી વખત કેનાલમાં ગાબડું પડયું છે અગાઉ કેનાલમાં પડેલા ગાબડાને લઇને અમારા એરંડાના પાકને થયેલ નુકસાન બાબતે નિગમ દ્વારા એક પણ રૂપિયો વળતર પેટે ચૂકવવામાં આવ્યો નથી. અગાઊ ચાર વખત કેનાલમાં ગાબડા પડયા હતા જે બાબતે અમે નર્મદા નિગમના અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા અમારી રજૂઆત બાબતે આજ દિન સુધી કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું નથી.

જેને લઇને આજે ફરી કેનાલ તુટતા અમારા ખેતરમાં વાવેતર કરેલ કપાસનો પાક ધોવાઈ જતા નુકસાન થયાનું ખેડૂતે જણાવ્યું હતું. નર્મદા નિગમના અધિકારીઓના ભ્રષ્ટાચાર ને કારણે સાંતલપુર વિસ્તારમાં નર્મદાની કેનાલની કામગીરી નિમ્નકક્ષાની થયેલી છે નર્મદા કેનાલના રિપેરીંગ બાબતે દર મહિને એજન્સીને લાખો રૂપિયાનું બિલ ચૂકવવામાં આવે છે છતાં કેનાલો તૂટયા ના કલાકો બાદ પણ કેનાલનું સમારકામ હાથ ધરાતું નથી. એક બાજુ રાધનપુર- સાતલપુર પંથકના કેટલાક ગામોમાં લોકોને પીવાનું પુરતુ પાણી પણ મળતું નથી ત્યારે બીજી બાજુ કેનાલો તુટતા લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024