- મોદી સરકાર 3.0ના શપથ બાદ શેરબજારમાં ઉછાળો,
- નિફ્ટી પણ ઐતિહાસિક ટોચે
Stock Market : શેરબજાર ને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ દેશમાં NDA સરકાર સત્તામાં આવી છે અને PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. આ તરફ શેરબજારે સોમવારે ઈતિહાસ રચ્યો હતો.મોદી સરકાર 3.0ના શપથવિધિ બાદ સરકારનું ચિત્ર સ્પષ્ટ થતાં રોકાણકારો ગેલમાં જોવા મળ્યા છે. ભારતીય શેરબજાર સર્વોચ્ચ ટોચે ખૂલ્યા છે. સાર્વત્રિક સ્તરે પોઝિટીવ મોમેન્ટમ જોવા મળ્યો છે.
સેન્સેક્સ 77000ને પાર
સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે 323.64 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે પ્રથમ વખત 77,000ની સપાટીને પાર કરી હતી. તે 77,017ના સ્તરે ખુલ્યો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ બજાર ખુલતાની સાથે જ 105 પોઈન્ટ ઉછળ્યો હતો. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે BSE સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 1618.85 પોઈન્ટ અથવા 2.16 ટકાના ઉછાળા સાથે 76,693.41 પર બંધ થયો.
માર્કેટ ખૂલતાં જ 200 શેર્સમાં અપર સર્કિટ
બીએસઈ ખાતે ટ્રેડેડ શેર્સમાંથી માર્કેટ ખૂલતાંની સાથે જ 200 શેર્સમાં અપર સર્કિટ જોવા મળી હતી. જ્યારે 72 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 196 શેર્સ 52 વીક હાઈ અને 18 શેર્સ વર્ષની બોટમે નોંધાયા છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં 2399 શેર્સ સુધારા તરફી અને 940 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા.
IT-ટેક્નો શેરોમાં પ્રોફિટ બુકિંગ
આઈટી શેરોમાં ગત સપ્તાહે નોંધાયેલી તેજીનો લાભ લેતાં રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. જેના પગલે આજે આઈટી-ટેક્નો શેરોમાં 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ ટેક ઈન્ડેક્સ 1.29 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. ટોચની આઈટી કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો સહિતના શેર્સ 2થી 3 ટકા સુધીના ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
સેન્સેક્સ પેકમાં સામેલ શેર્સની સ્થિતિ
સેન્સેક્સ પેકમાં સામેલ 30 શેર્સ પૈકી 17 શેર્સમાં સુધારો અને 13 શેર્સમાં ઘટાડો કર્યો હતો. પાવરગ્રીડ 3.38 ટકા, અલ્ટ્રાટેક 2.32 ટકા, એક્સિસ બેન્ક 1.95 ટકા, રિલાયન્સ 1.21 ટકા અને એનટીપીસી 1.11 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ ટેક મહિન્દ્રા 2.28 ટકા, વિપ્રો 1.74 ટકા, ઈન્ફોસિસ 1.61 ટકા, એચસીએલટેક 1.23 ટકા અને ટાઈટન 1.12 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.
નોંધ : આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.