મણિનગર વિસ્તારમાંથી ગુમ થયેલી સગીરા પરત મળી આવી છે. મણિનગર પોલીસની પૂછપરછમાં સગીરાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે પોતાની દીકરી ગણાવનાર આધેડ સગીરાનો બાપ નથી. જેણે સગીરાને અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં ગોંધી રાખી તેની સાથે બળાત્કાર ગુજારતો હતો. ઉપરાંત કુલદીપ સિંહ રાઠોડ સહાયના નામે સગીરા પાસે ભીખ મંગાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ સગીરાને હોટલમાં લઈ જઈ કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાની હકીકત પોલીસ સામે આવી છે.
પોલીસે રોડ પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી જેમાં સગીરા રીક્ષા અને બાઇક પર જતાં જોવા મળી હતી. સગીરાને કુબેરનગર વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસે સગીરાની પૂછપરછ કરતાં મોટો ઘટસ્ફોટ થયો છે.
થોડા દિવસ પહેલા જ્યારે અમદાવાદ આવી ત્યારે કુબેરનગર ખાતે રહેતી એક મહિલાના સંપર્કમાં આ સગીરા આવી હતી અને જ્યારે ફરી અમદાવાદ આવે ત્યારે વાત કરવા કહ્યું હતું. તક મળતા કંટાળેલી સગીરાએ બહેનને ફોન કર્યો અને ગુરુદ્વારાથી નાસી છૂટી હતી. મણિનગર પોલીસે સગીરાનું મેડિકલ કરાવીને તેના પરિવારનો સંપર્ક કર્યો છે. જ્યારે આરોપી કુલદીપસિંહની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
એક તરફ શિક્ષણ આપવાના બહાને સગીરાને તેની માતા પાસેથી પડાવી લેવામા આવી હતી અને બાદમા તેની સાથે અમાનુષી અત્યાચાર કરનાર આરોપીની અસલ ઓળખ મેળવવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ સગીરાના અસલ માતા સુધી પહોંચવા પોલીસ અગલ અલગ રાજ્યોમાં તપાસ કરી રહી છે.