સિદ્ઘપુરમાં (Siddhpur) ચાઈલ્ડ પોર્નોગ્રાફીના (Pornography) વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી તે વીડિયોને બીજા લોકોના ફોનમાં સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરાતા ત્રણ ઈસમો વિરુદ્ઘ સાયબર ક્રાઈમના આઈ.ટી એક્ટની ર૦૦૮ની કલમ ૬૭ ( બી ) મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

સિદ્ઘપુર તાલુકામાં ઘણા સમયથી સોશિયલ મીડિયાના ફેસબુક, વોટ્સએપ, ટિ્વટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરી તે વિડિઓ આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોના ફોનમાં મોકલવામાં આવતા હોવાની માહિતી સાયબર ક્રાઈમ દ્વારા પપથી વધુ લોકોની સિદ્ઘપુર પોલીસ સ્ટેશનમાં માહિતી આપવામાં આવતા સિદ્ઘપુર પી.આઈ દ્વારા આ અંગે તપાસ શરૂ કરાઇ હતી.

સિદ્ઘપુર શહેરના મુક્તિધામ નજીક આવેલા મોતિરામઢાળ પાસે રહેતા અરવિંદ ધીરુજી ઠાકોર, ફુલપુરા ગામમાં રહેતા સચિન અમરસંગ ઠાકોર તેમજ રાજપુરમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીના દિપકજી છનાજી ઠાકોર સદર ત્રણે ઈસમોના મોબાઈલ ફોન જપ્ત કરી ગાંધીનગર ખાતે સાયબર સેલના નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેટા રિસ્ટોર માટે મોકલી આપ્યા હતા જેનો રિપોર્ટ આવતા ત્રણેયના મોબાઈલ ફોનોમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો મળી આવ્યા હતા. જેથી ત્રણેય વિરુદ્ઘ ધી ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ર૦૦૮ની કલમ ૬૭( બી ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.