જેતપુરના જેતલસરમાં સૃષ્ટિ રૈયાણીના હત્યા કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને ફાંસીની સજા (Fasini Saja) ફટકારી છે. તમને જણાવી દઇએ કે, જેતલસર ગામે 16 માર્ચ 2021ના રોજ ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાની (Srishti Raiyani) છરીના 34 ઘા ઝીંકીને હત્યા કરી નખાઇ હતી. આ સાથે જ વચ્ચે પડેલા તેના ભાઈ હર્ષ રૈયાણીને પણ આરોપીએ છરીના પાંચ જેટલા ઘા ઝીંકી દીધા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતાં. જે મામલે એડીશનલ સેસન્સ કોર્ટે આજે મહત્વ પૂર્ણ ચૂકાદો આપ્યો છે. જેમાં આરોપીને મૃત્યું દંડની સજા ફટકારી છે. તેમજ હત્યાનાં પ્રયાસમાં 10 વર્ષ સજા અને 5000 દંડ, પોક્સો કેસમાં 3 વર્ષની સજા અને 2500 રૂપિયા દંડ ફટકાર્યો છે.
આરોપી જયેશ સરવૈયાને જેતપુર સેસન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારતા કોર્ટ રૂમની બહાર માતા-પિતાની આંખો આંસુઓથી છલકાઈ રહી હતી. સૃષ્ટિના પિતા કિશોરભાઈએ જણાવ્યું હતું કે, બે વર્ષથી માનસિક ત્રાસમાં ગુજર્યો છું, મારી દીકરીના હત્યારાને સમયસર સજા મળી ગઈ હોત તો સુરતમાં ગ્રીષ્માનું મર્ડર થયું હતું તે કદાચ ન થાત. આજે ગ્રીષ્મા હયાત હોત એવું મારું માનવું છે. માતા શીતલબેને જણાવ્યું હતું કે, મારી દીકરીને આજે ન્યાય મળ્યો છે, આથી હું બધાનો આભાર માનું છું. અમારી એ જ માગ હતી કે, આરોપીને ફાંસીની સજા મળે અને મારી દીકરીની આત્માને શાંતિ મળે.
જાણો શું હતો સમગ્ર મામલો?
જેતપુરના જેતલસરમાં સૃષ્ટિ રૈયાણીની તેના જ ઘરમાં હત્યા થઇ હતી
સૃષ્ટિ ધોરણ 11માં જેતપુરમાં અભ્યાસ કરતી હતી
આરોપી જયેશ સરવૈયા સૃષ્ટિ રૈયાણીના એક તરફી પ્રેમમાં હતો
સૃષ્ટિને પામવા માટે વારંવાર પ્રયાસો કરતો હતો
સૃષ્ટિના માતા-પિતા ખેતમજૂરીએ ગયાં હતાં
એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી સગીરાને લગ્ન માટે દબાણ કર્યું હતું
સૃષ્ટિ આરોપીના તાબે ન થતા ઢોર માર માર્યો હતો
‘મારી નહીં તો કોઈની નહીં’ એવું ભૂત જયેશ પર સવાર હતું
સૃષ્ટિ પર છરીના 34 જેટલા ઘા મારી હત્યા કરી હતી
સૃષ્ટિનો વચ્ચે પડતા તેને પણ છરીના ઘા મારી ઇજા પહોંચાડી હતી
સૃષ્ટિ હત્યા કેસના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી
722 દિવસ બાદ જેતપુર સેશન્સ કોર્ટે જયેશને દોષિત ઠેરવ્યો
આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી અને તેના વડા તરીકે તત્કાલીન એલસીબી પીઆઇ અજયસિંહ ગોહિલ, જેતપુર તાલુકા પીએસઆઈ પીજે બાંટવા, ધોરાજીનાં મહિલા પીએસઆઇ કદાવલા, એલસીબીના રાઇટર રસિકભાઈ જમોડ, જેતપુર તાલુકા પોલીસના રાઇટર વિજયસિંહ જાડેજા, ગોંડલ સિટીના હરેન્દ્રસિંહ, ઉપલેટા સિટી પોલીસના રાઇટર ભાવેશભાઈ અને મહિલા કોન્સ્ટેબલ રાધિકાબેન અને સરકાર તરફથી કેસ લડવા સ્પેશિયલ સરકારી વકીલ તરીકે જનકભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.
રિપોર્ટર :- રાકેશ પીઠડીયા, જેતપુર