બે દિવસ પહેલા એક મહિલાએ સુસાઇટ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મોત પાછળ હું જ જવાબદાર છું. ડાયાબિટીસની બીમારી ને કારણે જીવનથી કંટાળી ગઈ છું.
નસવાડી તાલુકાના કુકરદા ગામે નસવાડીથી અપડાઉન કરતા ભાવનાબેન સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. ભાવનાબેનનો મૃતદેહ સ્કૂલના શૌચાલયની બારી સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સુસાઇટ નોટ વાંચી તો તેમાં કોઈ પક્ષકારનો દોષ જણાયો ન હતો.
સુસાઇટ નોટમાં લખ્યું હતું કે માય લવ જય. મારા પતિ. હું તમારા બધાની ગુનેગાર છું કે આમ અધવચ્ચે તમને છોડીને જાઉ છું. લવ યુ સો મચ. મારા બાળકોને સાચવજો. એમને કોઈ દુઃખ ન પડવા દેતા. મને ખબર છે મારે આ કહેવાની જરૂર નથી તો પણ મા છું એટલે કહ્યા વગર રહેવાતું નથી. હું એક સારી મા, પત્ની કે વહુ ન બની શકી. પરંતુ તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો એવી મને ખાતરી છે. અત્યારે પણ આ કાગળ પર લખી રહી છું, મારી મનોવ્યથા શું છે તે હું જાણું છું. વિચારોમાં મારું મગજ ભરાય ગયું છે. છેલ્લા પણ એમ જ થાય છે કે હું શું કરું. ના કરું. ભૂલ મારામાં જ છે. હું નથી જીવી શકતી. ભગવાન પણ શું કરે એમાં. એ આપણને એક જીવન આપે છે. પણ એ જીવન જીવવા માટે પ્રયત્નો આપણે જ કરવા પડે ને. ભગવાન થોડા નીચે આવીને જીવાડે. પ્રકૃતિનો નિયમ છે, ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે.
બસ પણ જે આ દુનિયાની મોહમાયા છે પોતાના પરિવાર માટે એને છોડવી બહું અઘરી છે. આ મોહમાયાને છોડીને જવાનું પણ થતું નથી પણ માનસિકતા ખરાબ થઈ ચૂકી છે કે હું આવું પગલું ભરું છું. ફરી એકવાર સૌની માફી માંગું છું. મને માફ કરજો. આવી રીતે અધવચ્ચે બધાને છોડીને જાઉં એ માટે કોઈને પણ મારા મોત પાછળ જવાબદાર ગણી હેરાન કરશો નહીં. -લિ. ડામોર ભાવના
ભાવનાબેન બે બાળકો અને પતિ સાથે રહેતા હતા. થોડા સમયથી તેઓ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. પતિ જયદીપે જણાવ્યું હતું કે, તેમના પત્નીને ડાયાબિટીસની બીમારી હતી. તેઓ માનસિક રીતે તૂટી ગયા હતા. નસવાડીથી 15 કિલોમીટર દૂર આવેલા કુકરદા ગામે તેઓ તેમને દરરોજ કારમાં મૂકવા જતા હતા. બનાવના દિવસ તેઓ તેમની સાથે ગયા ન હતા.
વધુમાં સુસાઇટ નોટમાં લખ્યું હતું કે પરિવારને હેરાન ન કરશો. અમુક લોકો માટે હું પ્રેરણાદાયક હતી. ક્યાં સુધી આવી રીતે જીવવાનું? મરવાનું સહેલું નથી. પતિએ મને ખૂબ સપોર્ટ કર્યો. મોત માટે હું જ જવાબદાર. હું તમામની ગુનેગાર.