- રાજકોટ શહેરમાં ઘણા સમય બાદ લેપ્ટોસ્પાયરોસિસ નામના રોગનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. બેડીપરામાં રહેતા પશ્ચિમ બંગાળના યુવાનની તબિયત ખરાબ થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક તપાસમાં લેપ્ટોસ્પાયરોસિસ જણાતા તુરંત જ મનપાની આરોગ્ય શાખાને જાણ કરાઈ હતી. જેને પગલે આરોગ્ય અધિકારી ડો. રીંકલ વીરડિયાએ તુરંત કાર્યવાહીના આદેશ આપતા યુવકના સેમ્પલ લઈને સુરતની લેબમાં તપાસાર્થે મોકલવામાં આવ્યા છે.
- આ ઉપરાંત શનિવારે મનપાની આરોગ્ય શાખા બેડીપરામાં સઘન તપાસ હાથ ધરી ક્યાં બેક્ટેરિયા હોઈ શકે તે તપાસ કરશે તેમજ યુવક દક્ષિણ ગુજરાતની મુલાકાત લીધી હતી તે સહિતની વિગતોની માહિતી લેવાશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. લેપ્ટોસ્પાયરોસિસ પણ એક પ્રકારનો પ્લેગ છે જે ઉંદર જેવા પ્રાણીઓના મળમૂત્રથી ફેલાય છે. પગમાં ઈજા કે વાઢિયા પડ્યા હોય અને સંક્રમિત મળમૂત્રના સંપર્કમાં આવે એટલે આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી જાય છે આ જ કારણે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના ખેતરોમાં ખુલ્લા પગે કામ કરતા મજૂરો અને ખેડૂતોમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. રાજકોટમાં પાંચ વર્ષ પછી પ્રથમ કેસ નોંધાયો છે.
- માણસથી માણસમાં રોગ ફેલાતો નથી
- રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો. રીંકલ વીરડિયાએ જણાવ્યુ હતુ કે, લેપ્ટોસ્પાયરોસિસ પ્લેગનો દૂરનો સંબંધી કહી શકાય પણ ગભરાવાની કોઇ જરૂર નથી. આ રોગનો ઈલાજ શક્ય છે તેમજ હજુ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ પણ નથી આવ્યો.
- જે વિસ્તારોમાં પાણી ભરાયેલું હોય સતત ભેજ હોય ત્યાં ઉંદર રહેતા હોય તેવા વિસ્તારોમાં રોગ જોવા મળે છે જેમ કે દક્ષિણ ગુજરાતના ડાંગરના ખેતરો. બેક્ટેરિયાના વાહક ઉંદરો પાણીમાં મળમૂત્ર કરે અને એ પાણીમાં ખુલ્લા પગે લોકો જાય તો વાઢિયા કે ઘામાંથી આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી જાય છે, માણસથી માણસમાં શરીરના સ્ત્રાવો, દર્દીને મચ્છર કરડ્યા બાદ બીજાને મચ્છર કરડે વગેરે રીતે આ સંક્રમણ ફેલાતું નથી એટલે લોકોએ ડરવાની જરૂર નથી.
- લક્ષણો:
- માથું દુ:ખે, તાવ આવે, સ્નાયુઓમાં દુખાવો થાય, આંખો લાલ થઈ જાય, લિવર પર સોજો આવે, લાલ ચકામા, રક્તસ્ત્રાવ.
- ભારતમાં પ્રથમ કેસ ,ડો. એ. આર. ભારતીએ 2004માં લેપ્ટોસ્પાયરોસિસ પર એક રિસર્ચ પેપર લખ્યું હતું. રિસર્ચમાં જણાવ્યું છે કે લેપ્ટોપાયરોસિસ એ લેપ્ટોસ્પિરા નામના બેક્ટેરિયાથી થતો રોગ છે.
- 20મી સદીમાં આ રોગનો પ્રથમ કેસ ભારતમાં જ દેખાયો હતો ત્યારથી વિશ્વભરમાં વર્ષે હજારો પશુઓ અને લોકોનો જીવ લઈ રહ્યો છે. તે સમયમાં આ રોગ આંદામાન નિકોબાર પર ખૂબ દેખાતો તેથી આ રોગને આંદામાન હેમોરેજિક ફિવર નામ અપાયું હતું.
- એએચએફ ત્યારે રહસ્યમય તાવ ગણાતો હતો પણ પાછળથી તેના પર રિસર્ચ થતા બેક્ટેરિયા કારણભૂત નીકળ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News