ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લામાં હજુ સુધી માત્ર રપ ટકા જેટલો વરસાદ થયો છે. જેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસચારાની અછત સર્જતાં સંચાલકોમાં મુશ્કેલી જોવા મળી રહી છે.
ત્યારે બુધવારે ડીસા, સુઇગામ અને થરાદમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ ડીસા મામલતદાર એ.જે.પારગીને આવેદનપત્ર આપી સરકાર તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય પુરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
જ્યારે સુઇગામ તાલુકાના સુઇગામ, બેણપ,મોરવાડા, નડાબેટ, જેલાણા, ભરડવા વિગેરે ગામોના ગૌશાળાઓ તેમજ પાંજરાપોળના સંચાલકો દ્વારા બુધવારે સુઇગામ મામલતદાર કે. બી. ઓઝાને, થરાદમાં પણ મામલતદારને આવેદનપત્ર આપી સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળને કાયમી નિભાવ ફંડ જાહેર કરવા, ઘાસચારાની સહાય કરવા, દાણની વ્યવસ્થા અથવા સહાય ચુકવવાની માંગ કરાઈ હતી.